વડોદરા શહેરમાં નશાના કારોબાર સામે પોલીસ દ્વારા સતત ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. દરમિયાન, વડોદરાના રાવપુરા વિસ્તારમાં કારમાંથી MD ડ્રગ્સ ઝડપાયાના મામલે પોલીસ દ્વારા એક મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. ઝોન 2 પોલીસ ટીમને મળેલી સચોટ બાતમીના આધારે રાવપુરા પોલીસ ટીમ અગાઉથી જ વોચમાં હતી, અને આ દરમિયાન પોલીસે બાજી મારીને મોટી સફળતા હાંસલ કરી છે.
અમાન મેમણ અને સફીક થાર ગાડી સાથે ઝડપાયા
પ્રાપ્ત વિગતો મુજબ, પોલીસ ટીમે શંકાસ્પદ 'થાર' ગાડીને રોકીને તલાશી લીધી હતી. આ વાહનમાંથી અમાન મેમણ અને સફીક નામના બે શખ્સોને પોલીસે રંગે હાથે ઝડપી પાડ્યા હતા. ACP અશોક રાઠવા દ્વારા આપવામાં આવેલા નિવેદન અનુસાર, ઝડપાયેલા શખ્સોની ગાડીમાંથી પ્રતિબંધિત નશીલા પદાર્થોનો જથ્થો મળી આવ્યો છે.

18 હજારનું MD ડ્રગ્સ અને 10 હજારનો હાઇબ્રિડ ગાંજો જપ્ત
પોલીસ તપાસમાં થાર ગાડીમાંથી અંદાજે 6 ગ્રામ જેટલું એમડી (MD) ડ્રગ્સ મળી આવ્યું છે, જેની બજાર કિંમત રૂપિયા 18,000 આંકવામાં આવી છે. આ ઉપરાંત, ગાડીમાંથી રૂપિયા 10,000 ની કિંમતનો મોંઘાટ હાઇબ્રિડ ગાંજો પણ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે ડ્રગ્સના આ જથ્થા સાથે લક્ઝરીયસ થાર કાર પણ કબજે કરી છે અને બંને આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
'મહેતાબ મામા' પાસેથી લાવ્યા હતા ડ્રગ્સ, બે દિવસના રિમાન્ડ મંજૂર
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં એ વાત સામે આવી છે કે, આ બંને આરોપીઓ મહેતાબ મામા નામના શખ્સ પાસેથી આ નશીલો પદાર્થ લાવ્યા હતા. આ નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે અને તેની પાછળ અન્ય કોણ સંડોવાયેલું છે તે અંગે વધુ માહિતી મેળવવા માટે પોલીસે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી બે દિવસના પોલીસ રિમાન્ડ મેળવ્યા છે, જેના આધારે વધુ તપાસ ચાલુ છે.
આ પણ વાંચો: Vadodara News: બાપોદ પોલીસ સ્ટેશનના PI અને PSI રાતોરાત સસ્પેન્ડ કરાયા