વડોદરા શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ સતત વધી રહ્યો છે, ત્યારે નવરાત્રિના પવિત્ર તહેવારમાં લૂંટારુઓએ ચોરીની નવી મોડસ ઓપરેન્ડી અપનાવીને સમગ્ર શહેરમાં ચકચાર મચાવી દીધી છે. લૂંટારુઓની એક બુકાનીધારી ટોળકીએ ખેલૈયાના વેશમાં આવીને લૂંટને અંજામ આપ્યો હતો. આ ઘટના શહેરના ગાજરાવાડી વિસ્તારમાં બની હતી. વડોદરાવાસીઓ જ્યારે ગરબાની મોજ માણી રહ્યા હતા, ત્યારે આ લૂંટારુઓએ નિર્દોષ નાગરિકોને નિશાન બનાવ્યા અને પોલીસને પડકાર ફેંક્યો હતો.
માસૂમ બાળકીના ગળે તલવાર મૂકી આતંક
આ લૂંટની ઘટનામાં લૂંટારુઓની બેફામ હિંમત જોઈને લોકો સ્તબ્ધ થઈ ગયા છે. બુકાનીધારી ટોળકીનો આતંક એટલો વધી ગયો હતો કે ઘરની બહાર ઊભેલા એક ચોરે તો અઢી વર્ષની માસૂમ દીકરીના ગળે તલવાર મૂકી દીધી હતી. પરિવારના સભ્યોને ધમકાવીને તેમને ચૂપ રહેવા મજબૂર કર્યા હતા. આ ઘૃણાસ્પદ કૃત્ય કરીને ટોળકીએ પરિવારને બાનમાં લીધો હતો. આ દરમિયાન ઘરમાંથી સાત લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરીને લૂંટારુઓ સહેલાઈથી સ્થળ પરથી પલાયન થઈ ગયા હતા. પરિવારના સભ્યો આ આઘાતજનક ઘટનાથી હજી પણ ભયભીત છે.













