વડોદરા શહેરમાં છેલ્લા 24 કલાક દરમિયાન રસ્તાઓ પર અકસ્માતોની વણઝાર સર્જાઈ છે. સંસ્કારી નગરીના વિવિધ વિસ્તારોમાં એક પછી એક એમ કુલ 14 જેટલા માર્ગ અકસ્માતના બનાવો બનતાં શહેરભરમાં વાહનચાલકો અને રાહદારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન, વાહનોની અનિયંત્રિત સ્પીડ અને રસ્તાની સ્થિતિના કારણે આ અકસ્માતોની હારમાળા સર્જાઈ હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.
9 વાહનો વચ્ચે સામસામે ટક્કર અને 5 વાહનો સ્લીપ થયા
બનાવની વિગતો મુજબ, નોંધાયેલા કુલ 14 અકસ્માતો પૈકી 9 બનાવોમાં વાહનો વચ્ચે સામસામે કે પાછળથી જોરદાર ટક્કર થઈ હતી. જ્યારે 5 બનાવોમાં અનિયંત્રિત ગતિ અથવા અચાનક બ્રેક મારવાના કારણે વાહનો સ્લીપ થઈને માર્ગ પર પછડાયા હતા. આ તમામ અકસ્માતોની શ્રેણીમાં એક નિર્દોષ રાહદારી કાળનો કોળિયો બન્યો હતો. રસ્તો ઓળંગી રહેલા રાહદારીને વાહને ટક્કર મારતાં તેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય કેટલાક વાહનચાલકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.
