વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલી કિન્ના પાર્ક સોસાયટીમાં ગણેશ ઉત્સવ દરમિયાન અસામાજિક તત્વો દ્વારા ગણેશ પંડાલમાં તોડફોડ કરવામાં આવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગણેશ મંડપમાં તોડફોડ કરવા સાથે જ અસામાજિક તત્વોએ ત્યાં પાર્ક કરેલી એક કારને પણ નુકસાન પહોંચાડ્યું હતું. આ ઘટનાને પગલે ગણેશ મંડળના સભ્યો અને સોસાયટીના રહીશોમાં ભારે આક્રોશ ફેલાયો છે અને ધાર્મિક લાગણી દુભાઈ હોવા અંગે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે.
તોડફોડના CCTV ફૂટેજ સામે આવ્યા
બનાવની વિગતો અનુસાર, વાઘોડિયા રોડ સ્થિત કિન્ના પાર્ક સોસાયટીમાં સ્થાપિત ગણેશ મંડપમાં અચાનક અજાણ્યા ઈસમોએ તોડફોડ આચરી હતી. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી (CCTV) કૅમેરામાં કેદ થઈ ગઈ છે. સીસીટીવી ફૂટેજની ચકાસણી કરતાં 3 જેટલા ઈસમો પંડાલમાં તોડફોડ કરતા અને વાહનને નુકસાન પહોંચાડતા સ્પષ્ટ નજરે પડે છે. ગણેશ મંડળના સભ્યોએ ઘટનાની જાણ થતાં જ સ્થળ પર એકઠા થઈને અસામાજિક તત્વો સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
