વડોદરા શહેરના વિજયનગર વિસ્તારમાં પાર્કિંગના મામૂલી મુદ્દે ઉગ્ર બોલાચાલી બાદ સશસ્ત્ર હુમલા અને મારામારીની ગંભીર ઘટના સામે આવી છે. વાહન પાર્ક કરવા બાબતે સ્થાનિક વેપારી કિશન કાયસ્થ અને એક હોમગાર્ડ જવાન વચ્ચે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી ક્ષણભરમાં ઉગ્ર બની જતાં હોમગાર્ડ જવાને ઉશ્કેરાઈને પોતાની વર્દીનો કમરનો પટ્ટો ઉતારીને વેપારી પર સણસણતો હુમલો કરી દીધો હોવાનો ગંભીર આક્ષેપ કરાયો છે.
વેપારીના માથામાં ગંભીર ઈજા, 108 મારફતે SSG હોસ્પિટલ ખસેડાયા
હોમગાર્ડ જવાને કમરના ભારે પટ્ટા વડે માથાના ભાગે ઉપરાછાપરી ઘા ઝીંકતાં વેપારી કિશન કાયસ્થને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા. બનાવને પગલે આસપાસના વેપારીઓ અને લોકો એકઠા થઈ ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલા વેપારીને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે વડોદરાની સયાજીરાવ ગાયકવાડ (SSG) હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
