સાબરકાંઠા જિલ્લામાં પોતાની વિવિધ ન્યાયી અને પડતર માંગણીઓને લઈને મહેસૂલ વિભાગના કર્મચારીઓએ શરૂ કરેલી અચોક્કસ મુદતની હડતાલનો આજે બીજો દિવસ છે. ગઈકાલથી શરૂ થયેલા આ આંદોલનમાં સાબરકાંઠા જિલ્લાના 350થી વધુ કર્મચારીઓ જોડાતાં તમામ સરકારી કચેરીઓ અને સદનો સુમસામ બની ગયા છે. કર્મચારીઓની ગેરહાજરીના કારણે સામાન્ય નાગરિકો અને દૂર-દૂરથી આવતા અરજદારોને ભારે મુશ્કેલીઓનો સામને કરવો પડી રહ્યો છે.

નાયબ મામલતદારથી લઈને રેવન્યુ તલાટીઓ જોડાયા

આ આંદોલનમાં નાયબ મામલતદાર, રેવન્યુ તલાટી, સિનિયર તથા જુનિયર ક્લાર્ક સહિત મહેસૂલી માળખાના તમામ સ્તરના કર્મચારીઓ એકસંપ થઈને જોડાયા છે. છેલ્લા બે દિવસથી કામગીરીથી અળગા રહેવાના કારણે કલેક્ટર કચેરી, પ્રાંત કચેરીઓ અને તમામ તાલુકા મામલતદાર કચેરીઓ ખાતે આવેલા જન સેવા કેન્દ્રો તેમજ પુરવઠા વિભાગનું કામકાજ સંપૂર્ણપણે થંભી ગયું છે. દાખલાઓ, રેશનકાર્ડ, જમીન મહેસૂલની નોંધણી અને વિવિધ સરકારી પ્રમાણપત્રો મેળવવા માટે આવતા લોકો આખો દિવસ રઝળપાટ કરવા મજબૂર બન્યા છે.

માંગણીઓ ન સંતોષાય ત્યાં સુધી લડત યથાવત રહેશે

સાબરકાંઠા જિલ્લાના તમામ 8 તાલુકાઓમાં મહેસૂલી કર્મચારીઓ કચેરીઓ બહાર એકત્ર થઈને સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. હડતાળ પર ઉતરેલા કર્મચારીઓનું કહેવું છે કે, ગ્રેડ પે, પ્રમોશનલ સેટઅપ અને વહીવટી પ્રશ્નો અંગે અગાઉ અનેક રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. જેથી આ વખતે 350 કરતાં વધુ શ્રમિક-કર્મચારીઓએ આરપારની લડાઈનો મૂડ બનાવ્યો છે. જ્યાં સુધી સરકાર તરફથી માંગણીઓનો ઉકેલ લાવવામાં નહીં આવે ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાલ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

આ પણ વાંચો : Vadodara News : બેફામ ડ્રાઇવિંગ કે ટ્રાફિકની બેદરકારી? 24 કલાકમાં 14 અકસ્માતથી રાહદારીઓમાં ભય