વડોદરામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વડોદરાના ભાયલી વિસ્તારમાં ગત મોડી રાત્રે અજાણ્યા હુમલાખોરો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની સનસનાટીભરી ઘટના પ્રકાશમાં આવી છે. આ હિંસક હુમલાના પગલે સ્થાનિક રહીશોમાં ભય અને ફફડાટનો માહોલ વ્યાપી ગયો છે.
ફ્લેટ નંબર 201માં અચાનક જ ફાયરિંગની ઘટના બની
મળતી સત્તાવાર વિગતો અનુસાર, ભાયલી વિસ્તારમાં આવેલા 'આરા 48' નામના બિલ્ડિંગના ફ્લેટ નંબર 201માં અજાણ્યા વ્યક્તિઓ દ્વારા અચાનક જ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. શાંત ગણાતા આ વિસ્તારમાં મધ્યરાત્રિએ એકાએક ગોળીઓનો અવાજ ગુંજી ઉઠતા આસપાસના ફ્લેટમાં રહેતા લોકો ગભરાઈ ગયા હતા અને દોડધામ મચી ગઈ હતી.
ઘટનામાં કોઇને ઇજા નથી
જોકે, રાહતના સમાચાર એ છે કે આ ફાયરિંગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને ફ્લેટમાં હાજર તમામ લોકો સુરક્ષિત છે.
તાલુકા પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો
ઘટનાની જાણ થતાં જ વડોદરા તાલુકા પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે પ્રાથમિક તપાસ શરૂ કરીને ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કર્યા છે. હુમલાખોરો કયા હેતુથી આવ્યા હતા, અંગત અદાવત હતી કે લૂંટના ઈરાદે ફાયરિંગ કરવામાં આવ્યું હતું, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આસપાસના સીસીટીવી ફૂટેજ પણ ચકાસવામાં આવી રહ્યા છે જેથી અજાણ્યા શખ્સોની ઓળખ થઈ શકે. પોશ વિસ્તારમાં બનેલી આ ઘટનાથી સમગ્ર શહેરમાં ચર્ચા જાગી છે.
આ પણ વાંચો---- Monsoon 2026 : વલસાડમાં સવાર-સવારમાં જ મેઘરાજાની જોરદાર બેટિંગ, બે કલાકમાં 6 ઇંચ વરસાદ, Video