દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યા છે, જેમાં વલસાડ જિલ્લામાં શુક્રવારે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. વહેલી સવારથી શરૂ થયેલા તોફાની અને મૂશળધાર વરસાદને કારણે સમગ્ર વલસાડ શહેર જળબંબાકાર થઈ ગયું છે. રસ્તાઓ પર જાણે પાણીની નદીઓ વહેતી હોય તેવા ભયાનક દ્રશ્યો સામે આવ્યા છે. ધોધમાર વરસાદના કારણે વલસાડ શહેર સંપૂર્ણપણે બેટમાં ફેરવાઈ ગયું છે અને ઠેર-ઠેર પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
વલસાડ શહેરમાં બે કલાકમાં 6 ઇંચ વરસાદ
વલસાડ શહેરમાં માત્ર બે જ કલાકમાં આભ ફાટ્યું હોય તેમ ૬ ઇંચ મુશળધાર વરસાદ ખાબક્યો છે. આ અતિભારે વરસાદને કારણે સમગ્ર શહેર પાણીમાં ગરકાવ થઈ ગયું છે અને અનેક વિસ્તારો જલમગ્ન થતાં જનજીવન ખોરવાયું છે. માત્ર વલસાડ જ નહીં, પરંતુ જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક ભારે વરસાદ નોંધાયો છે, જેમાં પારડી, કપરાડા, વાપી અને નાનાપોંઢા પંથકમાં પણ ૨-૨ ઇંચ વરસાદ પડતાં સર્વત્ર પાણી-પાણી થઈ ગયું છે.
તમામ વિસ્તારોમાં કમરસમા પાણી ભરાઈ ગયા
વલસાડના તમામ મુખ્ય માર્ગો અને નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. શહેરના પ્રખ્યાત એમ.જી. રોડ, કોસંબા રોડ, તિથલ રોડ, હાલર રોડ અને ભાગડાવાળા સહિતના તમામ વિસ્તારોમાં કમરસમા પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ પર પાર્ક કરેલા વાહનો પાણીમાં ડૂબી ગયા છે અને દુકાનો તેમજ ઘરોમાં પાણી ઘૂસી જતાં સ્થાનિક લોકોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
https://youtu.be/I6YmDlwDR2g
વલસાડ શહેરનું જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ
આ આકાશી આફતને કારણે વલસાડ શહેરનું જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. સવારના સમયે ભારે વરસાદ ખાબકતા શાળાએ જતા નાના બાળકો અને નોકરિયાત વર્ગ રસ્તા વચ્ચે જ અટવાઈ પડ્યા હતા. વાહનવ્યવહાર ઠપ થઈ જતાં લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. વહીવટી તંત્ર દ્વારા લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને સુરક્ષિત સ્થળે રહેવા અપીલ કરવામાં આવી છે. મેઘરાજાની આ તોફાની બેટિંગે તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ પણ ખોલી નાખી છે.
આ પણ વાંચો---- Sandesh Digital Explainer : ગુજરાતમાં નબળા ચોમાસાની આશંકા, પાકને બચાવવા વાંચો લાઈફ સેવિંગ ગોલ્ડન ગાઈડલાઈન