વડોદરામાં સાયબર ઠગોએ પૂર્વ IPS અધિકારીના પરિવારને નિશાન બનાવી ચોંકાવનારી ડિજિટલ અરેસ્ટની છેતરપિંડી આચરી છે. પોલીસ ફરિયાદ મુજબ ઠગોએ મની લોન્ડરિંગ કેસમાં ફસાવવાની ધમકી આપી માતા-પુત્રને 13 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ રાખ્યા હતા અને અલગ-અલગ બેંક ખાતામાં કુલ 1.53 કરોડથી વધુની રકમ ટ્રાન્સફર કરાવી હતી.

મુંબઈ પોલીસના નામે વીડિયો કોલ

ગત 31 જુલાઈએ એક અજાણ્યા શખ્સે પરિવારની વૃદ્ધ માતાને ફોન કરી તેમના સ્વર્ગસ્થ પતિના નામે મુંબઈથી ક્રેડિટ કાર્ડ ઇશ્યૂ થયાનું જણાવ્યું હતું. કાર્ડમાંથી 1 લાખનું શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન થયું હોવાનું કહી તેમને ડરાવવામાં આવ્યા હતા. ત્યારબાદ પોલીસ યુનિફોર્મમાં એક વ્યક્તિએ વીડિયો કોલ કરી પોતે મુંબઈ પોલીસનો સબ-ઇન્સ્પેક્ટર હોવાનું જણાવ્યું હતું.

કરોડોના મની લોન્ડરિંગ કેસનો ભય

ઠગોએ પરિવાર પાસેથી ઓળખ અને બેંક સંબંધિત વિગતો મેળવી હતી. ત્યારબાદ પરિવાર વિરુદ્ધ કરોડોના મની લોન્ડરિંગ કેસની તપાસ ચાલી રહી હોવાનું કહી માનસિક દબાણ ઊભું કર્યું હતું. ઓનલાઇન પૂછપરછના બહાને કેમેરો સતત ચાલુ રાખવા પણ દબાણ કરવામાં આવ્યું હતું.

બોગસ RBI લેટરથી વધુ ભય ફેલાવ્યો

3 ઓગસ્ટથી 12 ઓગસ્ટ દરમિયાન ઠગોએ RBI અને અન્ય બેંકોના સત્તાવાર દેખાતા નકલી લેટરપેડ, સહી અને સિક્કાવાળા દસ્તાવેજો મોકલ્યા હતા. તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી રકમ ‘સરકારી સુરક્ષિત ખાતામાં’ જમા કરાવવાનું કહી પરિવારને વિશ્વાસમાં લીધો હતો.

જીવનભરની કમાણી ગુમાવી

ઠગોની વાતમાં આવી પરિવારજનોએ ફિક્સ ડિપોઝિટ તોડીને અને અન્ય બેંક ખાતામાંથી કુલ 1.53 કરોડથી વધુની રકમ અલગ-અલગ ખાતામાં ઓનલાઇન ટ્રાન્સફર કરી હતી. દરમિયાન એક પરિચિતે સમગ્ર ઘટનાને ડિજિટલ અરેસ્ટ કૌભાંડ ગણાવી પરિવારને સાવચેત કર્યા હતા.

સાયબર ક્રાઇમ પોલીસે તપાસ શરૂ કરી

વાસ્તવિકતા સમજાયા બાદ પરિવાર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે રકમ જે બેંક ખાતાઓમાં ટ્રાન્સફર થઈ છે તેની વિગતોના આધારે આંતરરાજ્ય સાયબર ગેંગ સુધી પહોંચવા તપાસ શરૂ કરી છે. નોંધનીય છે કે સ્વર્ગસ્થ IPS અધિકારી વડોદરામાં JCP તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા હતા. 


આ પણ વાંચો   :    Nepal Flood : ભયાનક પૂર વચ્ચે એકલું ઘર અડીખમ, પાણીમાં આખું ગામ તણાયું છતાં મકાન બચી ગયું જુઓ ભયાનક Video