વડોદરા શહેરના જવાહર નગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા એક રહેણાંક વિસ્તારમાં ત્રીજા માળની બાલ્કનીમાંથી નીચે પટકાવાને કારણે એક સગીરાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. કપડાં સૂકવતી વખતે થયેલો અકસ્માત માસૂમ દીકરી માટે કાળ સાબિત થયો છે. આ કાળજું કંપાવી દે તેવી ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને પરિવારમાં ભારે શોકનો માહોલ છવાયો છે.

ટેબલ પરથી તેનું સંતુલન ગુમાવતા નીચે પટકાઇ 

મળતી માહિતી મુજબ, મૃતક સગીરાની ઓળખ શાલુ યાદવ તરીકે થઈ છે. શાલુ પોતાના ઘરની બાલ્કનીમાં કપડાં સૂકવવા માટે એક ટેબલ પર ચઢી હતી. કપડાં સૂકવતી વખતે અચાનક જ ટેબલ પરથી તેનું સંતુલન ખોરવાઈ ગયું હતું અને તે સીધી ત્રીજા માળેથી નીચે રોડ પર પટકાઈ હતી. 

સગીરાનું મોત

ઊંચાઈ પરથી લોહીલુહાણ હાલતમાં નીચે પટકાયેલી શાલુનું ગંભીર ઈજાઓ થવાના કારણે ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. પોતાની વ્હાલસોયી દીકરીનું મોત થતાં માતા પર જાણે આભ તૂટી પડ્યું હતું, જેના લીધે આઘાતમાં તેમની તબિયત પણ લથડી ગઈ છે અને તેમને સારવાર માટે ખસેડાયા છે.

પોલીસ પણ સ્થળ પર પહોંચી

આ અકસ્માત અંગેની જાણ થતાં જ જવાહર નગર પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સગીરાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાએ બહુમાળી ઈમારતોમાં રહેતા પરિવારો માટે એક લાલબત્તી સમાન કિસ્સો રજૂ કર્યો છે, જ્યાં બાલ્કની કે ગેલેરીમાં કામ કરતી વખતે અત્યંત સાવધાની રાખવી અનિવાર્ય છે. 


આ પણ વાંચો----    Sandesh Digital Explainer : દક્ષિણ ગુજરાતમાં વરસાદનો કહેર! આખરે દર વર્ષે આ જ વિસ્તાર સૌથી વધુ કેમ ડૂબે છે? વાંચો એક જ ક્લિકમાં