વડોદરામાં જાપ્તામાં સાથે ગયેલા કર્મચારીઓની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે કે, આરોપી સાથે કોઈ સાંઠગાંઠ તો નથી ને, આરોપીને કોર્ટમાં લઇ જતી વખતે હાથકડી પહેરાવી ન હતી અને જાપ્તામાં રહેલા પોલીસ કર્મચારીઓ પણ શંકાના ઘેરામાં છે, દીપેન પટેલ હત્યા કેસનો આરોપી છે હાર્દિક પ્રજાપતિ.
જાપ્તામાંથી ભાગેલા હાર્દિક પ્રજાપતિના સગા ભાઈ હિતેશને પણ આ કેસમાં એરેસ્ટ કરવામાં હતો
પ્રેમ પ્રકરણમાં આડખીલી રૂપ બનતાં યુવકની હત્યા કરીને લાશને પંચમહાલ જિલ્લાની નર્મદા કેનાલમાં ફેંકવાના કેસમાં ગિરફ્તાર કરવામાં આવેલા દરજીપુરા ગામના આરોપીને પોલીસ જાપ્તામાં કોર્ટ મુદતે લવાયો હતો. પાછા લઈ જતી વખતે પાણી પીવાના બહાને પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ ગયો હતો. જાપ્તામાંથી ભાગેલા હાર્દિક પ્રજાપતિના સગા ભાઈ હિતેશને પણ આ કેસમાં એરેસ્ટ કરવામાં હતો. બંને ભાઈઓને એક સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જે પૈકીનો એક ભાગ્યો હતો અને બીજો જાપ્તામાં પોલીસની સાથે જ રહ્યો હતો. ફરાર આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
હાર્દિકને મદદગારી કરવા બદલ તેના ભાઈને પણ ગિરફતાર કરવામાં આવ્યો હતો
હત્યા કેસની હકીકત પ્રમાણે, દરજીપુરા ગામમાં રહેતાં મુકેશભાઈ જયંતિભાઈ પટેલ (ઉ.વ.૬૨)નો પુત્ર દિપેન ગઈ તા. ૭મી મે ૨૦૨૫નાં આરોપી હાર્દિક પ્રજાપતિ રોજ રાતે કાર લઈને ન્યૂ સમા રોડ ખાતેની સાસરી જવા નીકળ્યો હતો અને રહસ્યમય સંજોગોમાં લાપતા થયો હતો. તા. ૧૨મી મેનાં રોજ પંચમહાલ જિલ્લાના કાલોલ કનેટીયા ગામની સીમમાંથી પસાર થતી નર્મદા નદીની મુખ્ય કેનાલમાંથી દિપેનની લાશ મળી હતી. આ કેસમાં ક્રાઈમ બાન્ચની ટીમે આરોપી હાર્દિક કૈલાશ પ્રજાપતિ (રહે, મહાદેવવાળુ ફળિયું. દરજીપુરા)ની ધરપકડ કરી હતી. હાર્દિકને મદદગારી કરવા બદલ તેના ભાઈને પણ ગિરફતાર કરવામાં આવ્યો હતો.
કેન્ટીન તરફ જઈને ચકમો આપીને ભાગી ગયો હતો આરોપી
હાર્દિક પ્રજાપતિ અને તેના ભાઈ હિતેશ સહિત કુલ ૨૩ કાચા કામના કેદીઓને પોલીસ હેડ ક્વાર્ટરના પી.એસ. આઈ.ના વડપણ હેઠળના જાપ્તા વચ્ચે સેન્ટ્રલ જેલમાંથી સરકારી બસમાં ટ્રાયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટ કાર્યવાહી આટોપ્યા બાદ પાછા જતી વખતે પાણી પીવાના બહાને કાચા કામના કેદી હાર્દિકે હાથકડી ખોલાવી હતી. કેન્ટીન તરફ જઈને ચકમો આપીને ભાગી ગયો હતો. આ ઘટના જાહેર થતાં શહેરભરની પોલીસ એલર્ટ થઈ હતી. દરજીપુરા, એસ.ટી. ડેપો, રેલવે સ્ટેશન તેમજ હાઈવેના ચોક્કસ પોઈન્ટ પર તપાસ આદરવામાં આવી હતી. પરંતુ કાચા કામના કેદીના કોઈ સગડ મળ્યાં ન હતા.