વડોદરાના નરસિંહજીની પોળમાં સોની પરિવારના માતા, પુત્રી અને દીકરાએ ગળે ફાંસો ખાઈ સામૂહિક આપઘાત કર્યો હતો. આ બનાવમાં પોલીસે શરુ કરેલી તપાસમાં મૃતકો પાસેથી ત્રણ અલગ સ્યુસાઇડ નોટ મળી છે, જેમાં આર્થિક સંકળામણ અને અંદાજિત રૂ. 33 લાખના દેવાને કારણે આ પગલું ભર્યાનો ઉલ્લેખ કરાયો છે.

મૃતકોના પોસ્ટમોર્ટમમાં ગળે ફાંસો ખાવાને કારણે જ મોત 

વડોદરા શહેરના નરસિંહજીની પોળમાં બનેલી આ કરુણ ઘટના અંગે એસીપી જી. બી. બાભણીયાએ સત્તાવાર નિવેદન આપ્યું હતું. પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ ત્રણેય મૃતકોના પોસ્ટમોર્ટમમાં ગળે ફાંસો ખાવાને કારણે જ મોત નીપજ્યું હોવાની બાબત સામે આવી છે.

સોની પરિવાર પર અંદાજિત રૂ. 33 લાખ જેટલું મોટું દેવું 

ઘટનાસ્થળે તપાસ હાથ ધરતાં પોલીસને મૃતકો પાસેથી ત્રણ અલગ-અલગ સ્યુસાઇડ નોટ મળી આવી હતી. આ તમામ સ્યુસાઇડ નોટમાં પરિવારે આર્થિક સંકળામણને કારણે અંતિમ પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કર્યો છે. પ્રાથમિક તપાસમાં સોની પરિવાર પર અંદાજિત રૂ. 33 લાખ જેટલું મોટું દેવું થઈ ગયું હોવાનું સામે આવ્યું છે. 

પોતાનું મકાન વેચી દેવાની હિલચાલ

આ આર્થિક તંગી વચ્ચે પરિવારની કારના બે હપ્તા પણ ભરવાના બાકી હતા. જેથી આ દેવું ચૂકતે કરવા માટે પરિવારે પોતાનું મકાન વેચી દેવાની હિલચાલ પણ શરૂ કરી હતી.

આરતી સોનીએ પોતાની સ્યુસાઇડ નોટ જાતે જ લખી

આ ઉપરાંત પરિવાર દ્વારા ચલાવવામાં આવતું હોસ્પિટલ પણ સારી રીતે ચાલતું ન હતું, જેના કારણે તેમની આર્થિક સ્થિતિ વધારે બગડી ગઈ હતી. પોલીસે તપાસ દરમિયાન કબ્જે કરેલી સ્યુસાઇડ નોટમાં આરતી સોનીએ પોતાની સ્યુસાઇડ નોટ જાતે જ લખી હતી. આ સાથે જ પોલીસે તેમની પુત્રી જૈની સોની અને પુત્ર નીલકંઠ સોનીની સ્યુસાઇડ નોટ પણ પોતાના કબ્જે લીધી છે.

આર્થિક સંકળામણ અને દેવાના કારણે ભારે ડિપ્રેશન

બંને સંતાનોએ પોતાની સ્યુસાઇડ નોટમાં હોસ્પિટલ સારી રીતે ચાલે તેવી ભગવાનને આખરી પ્રાર્થના કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે અગાઉ આરતી સોનીના માતા, પિતા, ભાઈ અને પતિનું અવસાન થયું હોવાથી તેઓ ઊંડા ડિપ્રેશનમાં હતા. જ્યારે પરિવારના બંને સંતાનો આર્થિક સંકળામણ અને દેવાના કારણે ભારે ડિપ્રેશનનો સામનો કરી રહ્યા હતા.

પોલીસે ત્રણેય મૃતકોના મોબાઇલ ફોન કબ્જે કર્યા

નરસિંહજીની પોળમાં સોની પરિવારના માતા, પુત્રી અને દીકરાએ ગળે ફાંસો ખાઈ સામૂહિક આપઘાત કરી લેતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. સમગ્ર બનાવ અંગે પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચીને સ્થિતિની સમીક્ષા કરી હતી અને જરૂરી તપાસ હાથ ધરી હતી. આ ચકચારી કેસમાં ઊંડાણપૂર્વકની તપાસ માટે પોલીસે ત્રણેય મૃતકોના મોબાઇલ ફોન કબ્જે કર્યા છે અને તે તમામ મોબાઇલ ફોન એફએસએલમાં તપાસ માટે મોકલી આપ્યા છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર દેવું, હોસ્પિટલની સ્થિતિ અને આર્થિક સંકળામણના તમામ મુદ્દાઓને ધ્યાને રાખીને આગળની કાયદેસરની તપાસ ચલાવવામાં આવી રહી છે. 


આ પણ વાંચો :   Anand : SOGના PSI વી.એન. રાઠોડ સામે 2 લાખની લાંચનો ગંભીર આરોપ, વચેટિયો ACBના છટકામાં ઝડપાયો