ડભોઇ ખાતે ચકચાર જગાવનારા 'ડિજિટલ એરેસ્ટ' કેસમાં વડોદરા જિલ્લા પોલીસ વડા (SP) દ્વારા આજે સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું છે. એસપીના જણાવ્યા અનુસાર, આ ઘટના 18 નવેમ્બરના રોજ બની હતી, જેમાં 58 વર્ષીય ખેડૂત અતુલ પટેલે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. એસપીએ માહિતી આપી હતી કે મૃતક અતુલ પટેલ અનાજના ગોડાઉનમાં ગાર્ડ તરીકે નોકરી કરતા હતા.
ગાર્ડ અતુલ પટેલનું રહસ્યમય મોત
પોલીસે આ મામલે પ્રાથમિક તપાસ બાદ અકસ્માતે મોતનો ગુનો (AD) દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ કેસની સૌથી મહત્વની વિગતો આપતા એસપીએ સ્પષ્ટતા કરી કે, મૃતક પર આવેલા શંકાસ્પદ ફોન નંબરની તપાસ હાલમાં ચાલુ છે. જોકે, તેમણે પુષ્ટિ કરી હતી કે મૃતકના કોઈ એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર થયા નથી. ડિજિટલ એરેસ્ટના નામે થતા ઓનલાઈન ફ્રોડના સંદર્ભમાં આ કેસ ખૂબ ગંભીર ગણાય છે. પોલીસે આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા અને શંકાસ્પદ કોલ્સની કડી મેળવવા માટે સઘન તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.













