વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલી ઉમા પાર્ક સોસાયટીમાં રવિવારે મોડી રાત્રે ઘરેલુ કંકાસની એક હૃદયકંપાવનારી અને લોહિયાળ ઘટના સામે આવી છે. જેમાં પતિએ પત્ની પર કટર વડે જીવલેણ હુમલો કર્યા બાદ ઘરમાં જ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે.
રાત્રે અઢી વાગ્યાના અરસામાં દંપતી વચ્ચે ઉગ્ર ઝઘડો થયો
મળતી વિગતો અનુસાર, અમદાવાદના ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલા વિજયરાવ પેટકરની પુત્રી જ્યોતિબેનના લગ્ન 15 વર્ષ પહેલાં વડોદરાના પ્રદીપ કિશનરાવ ગાંગુડે સાથે થયા હતા. બંને ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા અને તેમને સંતાનમાં એક પુત્ર તથા એક પુત્રી છે. રવિવારે મોડી રાત્રે અઢી વાગ્યાના અરસામાં દંપતી વચ્ચે કોઈ વાતને લઈને ઉગ્ર ઝઘડો થયો હતો.
પતિ પ્રદીપે ક્રૂરતાની હદ વટાવી
આવેશમાં આવેલા પતિ પ્રદીપે ક્રૂરતાની હદ વટાવી પત્ની જ્યોતિબેનને ગળા, આંખ અને હાથના ભાગે કટરના ઘા ઝીંકી લોહીલુહાણ કરી દીધા હતા.
હુમલા પૂર્વે પ્રદીપે પોતાના બંને માસૂમ બાળકોને એક રૂમમાં બંધ કરી દીધા
આ ઘટના વધુ ભયાનક ત્યારે બની જ્યારે હુમલા પૂર્વે પ્રદીપે પોતાના બંને માસૂમ બાળકોને એક રૂમમાં બંધ કરી દીધા હતા. રૂમમાં કેદ પુત્રએ રાત્રિના સમયે જ સમયસૂચકતા વાપરી ફોન દ્વારા તેના દાદાને આ હુમલાની જાણ કરી હતી. બાળકોએ ઘરમાં બૂમાબૂમ કરી મૂકતા જાગી ગયેલા પાડોશીઓ તાત્કાલિક દોડી આવ્યા હતા અને બંને બાળકોને રૂમમાંથી સલામત બહાર કાઢ્યા હતા.
પ્રદિપે આત્મહત્યા કરી લીધી
ત્યારબાદ પાડોશીઓએ ઘરની બારીનો કાચ તોડીને અંદર જોયું તો હોલમાં પ્રદીપ છતના હૂક સાથે સાડી વડે ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકતો મળી આવ્યો હતો.
કપૂરાઈ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો
ગંભીર રીતે ઇજાગ્રસ્ત અને બેભાન જ્યોતિબેનને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં તેમની સ્થિતિ નાજુક હોવાનું કહેવાય છે. ઘટનાની જાણ થતાં જ કપૂરાઈ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે જ્યોતિબેનના પિતાની ફરિયાદના આધારે મૃતક પતિ પ્રદીપ ગાંગુડે વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : Sandesh Indepth : ચોમાસું ખોટકાયું, ગુજરાતમાં ગત વર્ષ કરતાં અડધો જ વરસાદ; 24.64% સાથે ખેડૂતો ચિંતિત, જળસંકટની ભીતિ!