વડોદરાના વાઘોડિયા વિસ્તારમાં પાંચ દિવસ પહેલાં વેપારી પર જાહેરમાં થયેલા ફાયરિંગની ઘટનાએ સમગ્ર જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા કર્યા છે. આ મામલાની ગંભીરતાને જોતાં વડોદરા રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ વડા દ્વારા સંયુક્ત તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જોકે, હુમલાખોરો એટલા શાતિર નીકળ્યા કે પાંચ દિવસનો સમય વિતી જવા છતાં પોલીસ હજુ પણ અંધારામાં ફાંફા મારી રહી છે અને શૂટર્સનો કોઈ સગડ મળ્યો નથી.

ડેશકેમ ફૂટેજ હોવા છતાં ઓળખ અશક્ય બની

સૌથી ચોંકાવનારી બાબત એ છે કે જ્યારે આ ફાયરિંગની ઘટના બની ત્યારે નજીકમાંથી પસાર થતી એક કારના ડેશકેમમાં શૂટર્સના લાઈવ ફૂટેજ કેદ થઈ ગયા હતા. પરંતુ, શૂટર્સે ગુના સમયે પોતાના મોઢા માસ્કથી સંપૂર્ણ ઢાંકી રાખ્યા હોવાના લીધે ટેકનોલોજી હોવા છતાં તેમનો ચહેરો સ્પષ્ટ ઓળખી શકાતો નથી. આ સિવાય હુમલાખોરોએ જે મોટરસાયકલનો ઉપયોગ કર્યો હતો તેની નંબર પ્લેટની જ્યારે સર્ચ સિસ્ટમમાં તપાસ કરવામાં આવી ત્યારે તે નંબર પણ તદ્દન ખોટો અને બોગસ હોવાનું સામે આવ્યું છે, જેના કારણે વાહનના માલિક સુધી પહોંચવાના પોલીસના પ્રયાસો નિષ્ફળ રહ્યા છે.

ખેતરો ખૂંદતી પોલીસ અને આઉટ ઓફ સ્ટેટ કનેક્શન

ફાયરિંગ કર્યા બાદ શૂટર્સ વાઘોડિયા ચોકડીથી આસપાસના ગ્રામ્ય વિસ્તારોના કાચા રસ્તાઓ અને ખેતરો તરફ ભાગ્યા હોવાની બાતમીના આધારે વડોદરા પોલીસે હવે હાઇટેક પદ્ધતિ અપનાવી છે. વાઘોડિયાની આસપાસના કિલોમીટરો સુધી ફેલાયેલા લહેરાતા ખેતરોમાં કોઈ જગ્યાએ શૂટર્સ છુપાયા છે કે કેમ તે જાણવા માટે હવામાં ડ્રોન કેમેરા ઉડાવીને સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓના મતે, સ્થાનિક સ્તરે કોઈ મોટો વિવાદ અથવા પ્રોપર્ટી-નાણાકીય લેતીદેતીના કારણે આ સોપારી આપવામાં આવી હોઈ શકે છે અને હુમલો કરનારા પ્રોફેશનલ શૂટર્સ યુપી, એમપી અથવા રાજસ્થાનના હોવાની પ્રબળ શંકા છે. હાલ વડોદરા પોલીસની ટીમો અલગ-અલગ રાજ્યોમાં પણ કડીઓ મેળવવા રવાના થઈ ચૂકી છે.

આ પણ વાંચો: Surat: ગોડાદરામાં 12 વર્ષના બાળકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, માતા-પિતા અલગ રહેતા હોવાનું ખુલ્યું