સુરતના ગોડાદરા વિસ્તારમાંથી રહેતા એક સામાન્ય પરિવારના 12 વર્ષના વહાલસોયા દીકરાએ અચાનક પોતાના જ ઘરમાં પંખા અથવા લોખંડની એંગલ સાથે ફાંસો ખાઈ લીધો હતો. જ્યારે પરિવારના સભ્યોએ તેને આ હાલતમાં જોયો ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તાત્કાલિક સારવાર મળે તે પહેલાં જ માસૂમનો જીવ ઊડી ગયો હતો.
માતા-પિતાના અલગ રહેવાની બાળક પર અસર?
સ્થાનિક સૂત્રો અને પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, મૃતક કિશોરના માતા અને પિતા વચ્ચે છેલ્લા કેટલાય સમયથી અણબનાવ ચાલતો હતો અને બંને અલગ-અલગ આવાસમાં રહેતા હતા. આ કૌટુંબિક ઝઘડા અને વિખવાદની બાળકના માનસપટલ પર કેવી ગંભીર અસર થઈ રહી હતી, તે કોઈ સમજી શક્યું નહીં. ધોરણ 6 માં ભણતા આ બાળકની ઉંમર રમત-ગમત અને ભણવાની હતી, પરંતુ તેણે ઘરમાં એકલા રહીને આવો લોહિયાળ નિર્ણય કેમ લીધો, તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી.
