ગુજરાતમાં ચોમાસું હવે ધીમે ધીમે જામી રહ્યું છે. વીતેલા બે દિવસમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. એકસાથે 4 મોટી દરિયાઈ સિસ્ટમ મોન્સુન ટ્રફ, બે સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે સવારે 10 વાગ્યા સુધીમાં જ રાજ્યના 22 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની કડક ચેતવણી જાહેર કરી દીધી છે.

જૂનાગઢ અને ગીર સોમનાથમાં રેડ એલર્ટ

સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લા માટે 'રેડ એલર્ટ' જાહેર કરાયું છે. છેલ્લા 24 કલાકમાં ગીર સોમનાથના સુત્રાપાડામાં સૌથી વધુ ૧૩૩ મીમી (આશરે 5.2 ઈંચ) અને વેરાવળમાં 85 મીમી વરસાદ નોંધાયો છે. ઊનામાં વીજળીના કડાકા સાથે મેઘરાજા તૂટી પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે અને પાકને નવું જીવનદાન મળ્યું છે. આ ઉપરાંત અમરેલી, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરાયું છે.

દક્ષિણ ગુજરાત પાણી-પાણી

રાજ્યના 102 તાલુકાઓમાં મેઘમહેર થઈ છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ તારાજી જોવા મળી છે. સુરતના બારડોલીમાં આભ ફાટ્યું હોય તેમ સૌથી વધુ ૭.૬૮ ઈંચ, પલસાણામાં ૭.૫૬ ઈંચ અને વાપીમાં ૭.૪ ઈંચ વરસાદ ખાબક્યો છે. આ સિવાય મહુવા, ઉમરગામ અને માળિયાહાટીનામાં પણ ૫ થી ૭ ઈંચ જેટલો ભારે વરસાદ નોંધાયો છે.

અમદાવાદ-ગાંધીનગર સહિત 12 જિલ્લામાં 'યલો એલર્ટ'

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 5 દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. અમદાવાદ, ગાંધીનગર, પોરબંદર, દ્વારકા, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, ખેડા, આણંદ, વડોદરા અને છોટાઉદેપુરમાં 'યલો એલર્ટ' આપી લોકોને સાવચેત રહેવા જણાવાયું છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણામાં પણ આગામી દિવસોમાં તોફાની વરસાદની આગાહી છે. 


આ પણ વાંચો----    Sandesh Digital Explainer: છેલ્લા 100 વર્ષમાં સૌથી સૂકો જૂન મહિનો કેમ રહ્યો ? હવે જુલાઈમાં શું થશે? તમારા પ્રશ્નના તમામ જવાબ વાંચો