વલસાડ શહેરના મોગરાવાડી વિસ્તારમાં એક ચોંકાવનારી અને ગંભીર ઘટના સામે આવી છે, જેમાં બે સગીરોએ એક યુવક પર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલાનું સૌથી ચોંકાવનારું પાસું એ છે કે સગીરોએ યુવકને પહેલા 'હેપ્પી ન્યૂ યર' કહીને શુભેચ્છા આપી અને તુરંત જ તેના પર છરીથી હુમલો કરી દીધો હતો. આ ઘટના મોગરાવાડીમાં આવેલી એક રમકડાંની દુકાન નજીક બની હતી. સગીરો દ્વારા કરવામાં આવેલા આ હુમલાને કારણે યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી.


સીસીટીવી ફૂટેજ બન્યા પુરાવો

આ સમગ્ર ઘટના ત્યાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેના ફૂટેજ પોલીસ માટે મહત્ત્વપૂર્ણ પુરાવો બન્યા છે. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે બે સગીરો કેવી રીતે આ યુવક પાસે આવીને તેની સાથે વાતચીત શરૂ કરે છે અને પછી અચાનક જ છરી કાઢીને હુમલો કરી દે છે. આ ફૂટેજના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.

પોલીસે બે સગીર આરોપીઓની ધરપકડ કરી

વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજ અને ઈજાગ્રસ્ત યુવકના નિવેદનના આધારે વલસાડ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને હુમલો કરનારા બંને સગીરોની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી લીધી છે. પોલીસે આ સગીરો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને તેમની પાસેથી હુમલામાં વપરાયેલું હથિયાર પણ જપ્ત કર્યું છે. સગીરોએ આ હુમલો શા માટે કર્યો, તેની પાછળ કોઈ અંગત અદાવત હતી કે માત્ર મજાકના ભાગરૂપે આ કૃત્ય કરવામાં આવ્યું તે દિશામાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.


  • Follow us on: