વલસાડ સીટી પોલીસ સ્ટેશનની કામગીરી પર હાલ ગંભીર સવાલો ઉભા થયા છે. પોલીસ દ્વારા પકડવામાં આવેલા એક દારૂના કેસમાં મુદ્દામાલની ગણતરીમાં ગંભીર ગોટાળા સામે આવતા પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ છે.પોલીસે જ્યારે એક એક્ટિવા ચાલકને રોકીને તપાસ કરી ત્યારે તેની ડિક્કીમાંથી વિસ્કીની બોટલો અને બિયરના ટીન મળી આવ્યા હતા.પોલીસ દ્વારા નોંધવામાં આવેલી FIRમાં માત્ર બિયરના ટીન જ દર્શાવવામાં આવ્યા હતા અને વિસ્કીની 10થી વધુ બોટલોનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો.
મુદ્દામાલનો ઉલ્લેખ ફરિયાદમાં કેમ કરાયો નથી?
પોલીસની આ FIRને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે.જે દારૂની બોટલો રસ્તામાં જપ્ત કરવામાં આવી હતી તેનો ઉલ્લેખ ફરિયાદમાં કેમ કરવામાં આવ્યો નથી? શું આ મુદ્દામાલની જાણીજોઈને હેરાફેરી કરવામાં આવી છે કે પછી કોઈની મિલીભગતથી તેને રફેદફે કરી દેવામાં આવી છે? આ ઘટનાને કારણે વલસાડ પોલીસની વિશ્વસનીયતા પર ગંભીર સવાલો ઉભા થયા છે.દારૂબંધીના કાયદાનું કડક પાલન કરાવતી પોલીસ જ જો મુદ્દામાલની હેરાફેરીમાં સંડોવાયેલી હોય તો સામાન્ય નાગરિકોનો વિશ્વાસ ડગમગવો સ્વાભાવિક છે.













