વાપીના ગીતાનગર વિસ્તારમાં રેલવે ફાટક નજીક જાહેરમાં જ એક યુવક અને યુવતી પર જીવલેણ હુમલો થયો હતો. જેમાં યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે યુવતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન યુવતીનું મોત થયું હતું. એમાં ઘટનામાં યુવક યુવતીના મોતને લઈ પંથકમાં ચકચાર મચી ગઈ હતી.
વાપી ટાઉન પોલીસે આરોપીની કરી ધરપકડ
આ ઘટનામાં ચંદન ગુપ્તા નામના એક યુવકે રેલવે ફાટક નજીક એક ઓફિસના પાર્કિંગમાં ઉભેલા દિલીપ નકુમ અને નેહા નામની એક યુવતી પર તિક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં યુવક દિલીપનું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે યુવતી નેહા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તે પોતે બચવા માટે જાહેર રસ્તા પર જ લોહીલુહાણ હાલતમાં દોડી હતી. અને ફાટક નજીક પહોંચતા તે પડી ગઈ હતી, જ્યાં લોકોનું ટોળું એકઠું થઈ જતા એક રીક્ષા ચાલકે ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવતીને સારવાર માટે વાપીની એક ખાનગી હોસ્પિટલ લઇ ગયો હતો, જાહેરમાં જ બનેલી આ ઘટનાને કારણે દોડધામ મચી ગઈ હતી.
આરોપીએ પાર્કિગમાં બન્નેને ઉભા રહેતા જોઈ હત્યા કરી
વાપી ટાઉન પોલીસ અને લોકોએ ગણતરીના સમયમાં જ હત્યારા આરોપી ચંદન ગુપ્તાની ધરપકડ કરી હતી, પ્રાથમિક રીતે આ ઘટનામાં પ્રણય ત્રિકોણને કારણે હત્યાનો બનાવ બન્યો હોવાનો મનાઈ રહ્યું છે. આરોપી ચંદન ગુપ્તા ને મૃતક નેહા નામની યુવતી સાથે અગાઉ પ્રેમ સંબંધ હતો જેણે થોડા સમય અગાઉ તે લગ્નનો પ્રસ્તાવ લઈ અને આ યુવતીના ઘર સુધી પહોંચ્યો હતો. પરંતુ યુવતીના પરિવારે અને યુવતીએ લગ્નનીના પાડી દેતા ચંદન ગુપ્તા રોષે ભરાયો હતો અને ત્યારબાદ અવારનવાર યુવતીને ફોન કરી અને સંપર્ક કરી મળીને લગ્ન માટે દબાણ કરતો હતો, આ દરમિયાન આ યુવતીના અન્ય કોઈ યુવક સાથે સંબંધ છે આવી જાણ થઈ હતી, આથી રેલવે સ્ટેશન નજીક આ યુવતી અને દિલીપ નકુમ નામનો યુવક એક ઓફિસના પાર્કિંગમાં ઊભા છે તે જોઈ જતાં આરોપી ચંદન સીધો જ તે ઓફિસના પાર્કિંગમાં પહોંચી ગયો હતો..
ડબલ મર્ડરના મામલે આરોપી ચંદન ગુપ્તા સળિયા પાછળ ધકેલાયો છે
અને આ ઘટનાની વધુ ઊંડાણપૂર્વક તપાસ માટે પોલીસે મૃતકોના અને આરોપીના પરિવારજનોની પૂછપરછ કરી આરોપીને કડક સજા થાય તે માટે પ્રયાસો હાથ ધર્યા છે. એક તરફી પ્રેમ કે પ્રણય ત્રિકોણનું પરિણામ હંમેશા ગંભીર અને લોહિયાળ જ આવે છે, આ ઘટનામાં પણ પ્રથમ પ્રેમી સાથે યુવતીએ લગ્નની ના પાડી હતી. આથી પ્રથમ પ્રેમી આરોપી ચંદન અગાઉથી જ રોષમાં હતો તેમાં પણ યુવતીના અન્ય યુવક સાથે સંબંધ હોવાની જાણતા તેનામાં બદલાની આગ સળગી રહી હતી, આથી મેરી નહી હુઈ તો કિસી ઓર કી હોને નહીં દૂંગા એવું મનમાં ઠામી પોતાની પ્રેમિકા અને તેના નવા પ્રેમીની હત્યા નીપજાવી સળિયા પાછળ ધકેલાયો છે.