વાવ અને થરાદ વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે પોલીસે આક્રમક વલણ અપનાવ્યું છે. એલ.સી.બી. (LCB) વાવ-થરાદની ટીમે સમગ્ર જિલ્લામાં દારૂના દૂષણને નાબૂદ કરવાના હેતુથી અલગ-અલગ વિસ્તારોમાં એકસાથે સઘન દરોડા પાડ્યા હતા. પોલીસની આ અચાનક કાર્યવાહીથી ગેરકાયદેસર દારૂનો કારોબાર કરતા બુટલેગરો અને અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

સુઈગામ, આગથળા, થરાદ અને વાવમાં LCBનું મોટું ઓપરેશન

એલ.સી.બી. વાવ-થરાદની ટીમ દ્વારા સુઈગામ, આગથળા, થરાદ અને વાવ પોલીસ સ્ટેશન ક્ષેત્ર હેઠળ આવતા વિવિધ વિસ્તારોમાં વ્યાપક ચેકિંગ અને રેડ હાથ ધરવામાં આવી હતી. આ દરોડા દરમિયાન પોલીસે દેશી દારૂ, દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવાતો કાચો વોશ તેમજ હેરાફેરી માટે વપરાતી એક મોટરસાઇકલ સહિત કુલ રૂ.93,800 નો મુદ્દામાલ જપ્ત કરીને કબ્જે કર્યો છે.

7 ઇસમો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ કડક કાર્યવાહી

ગેરકાયદેસર દેશી દારૂની પ્રવૃત્તિ પર ત્રાટકેલી પોલીસે આ કેસમાં સંકળાયેલા કુલ 7 ઇસમોની ઓળખ કરીને તેમની વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે. વિસ્તારમાં દારૂબંધીનો કડક અમલ કરાવવા માટે પોલીસે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે અસામાજિક પ્રવૃત્તિઓ આચરનારાઓ સામે આગામી દિવસોમાં પણ આ જ પ્રકારે ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે.

આ પણ વાંચો : Surat પાલિકાની બેદરકારીનો વધુ એક નમૂનો, ઉધના રોડ પર ગટરમાંથી નીકળ્યો પાણીનો ફુવારો