સુરતમાં સુરત મહાનગરપાલિકા (SMC)ની ઘોર બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. સુરતના વ્યસ્ત ગણાતા ઉધના રોડ પર અચાનક ગટરમાંથી પાણીના મોટા ફુવારા ઉડવા લાગ્યા હતા. પાલિકા તંત્રની આવી લાલિયાવાડીના કારણે વગર વરસાદે રસ્તા પર પાણી વહેવા લાગ્યા હતા, જેના કારણે સ્થાનિક રહીશો અને ત્યાંથી પસાર થતાં લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.

વાહનચાલકો મુશ્કેલીમાં અને અકસ્માતનો ભય

મુખ્ય માર્ગ પર જ ગટરમાંથી ફુવારાની જેમ પાણી બહાર ફેંકાતાં રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા. આ અચાનક ઉદ્ભવેલી પરિસ્થિતિને કારણે રોડ પરથી પસાર થતાં દ્વિચક્રી અને ચારચક્રી વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. પાણીના ફુવારાને કારણે રસ્તા પરથી પસાર થવું જોખમી બની ગયું હતું અને વાહનોની સ્પીડ ઘટી જતાં ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ હતી.

મોટા પ્રમાણમાં પાણીનો થયો વ્યય

એક તરફ તંત્ર દ્વારા પાણી બચાવવાની મોટી મોટી વાતો કરવામાં આવે છે, તો બીજી તરફ પાલિકાની આવી ગંભીર બેદરકારીના કારણે મોટા પ્રમાણમાં પાણી રસ્તા પર વહીને વેડફાઈ રહ્યું હતું. પાણી લીકેજ થવાની આ ઘટનાને પગલે સ્થાનિકોમાં પાલિકાની કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ત્વરિત સમારકામ હાથ ધરવા માંગ ઉઠી રહી છે.

આ પણ વાંચો : Rajkotના મેટોડા GIDCમાં 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, પોલીસે બે કલાકમાં આરોપીને દબોચ્યો