વેરાવળ સોમનાથ બાયપાસ પર આવેલા "ધ હેવન ફેમેલી સ્પા"ના નામે ચાલતા દેહ વ્યાપારના ગેરકાયદે ધંધાનો સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસને આ ભાડાના બિલ્ડીંગમાં ચાલતા સ્પામાં અનૈતિક પ્રવૃત્તિઓ ચાલી રહી હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે SOGની ટીમે એક ચોક્કસ વ્યૂહરચના તૈયાર કરી હતી. આ ઓપરેશનને સફળ બનાવવા માટે પોલીસે એક ડમી ગ્રાહકને સ્પામાં મોકલ્યો હતો, જેમણે દેહ વ્યાપારની પુષ્ટિ કરતા જ SOGની ટીમે તુરંત દરોડો પાડી દીધો હતો. આ દરોડા દરમિયાન સ્પાના સંચાલકોના કાળા કારોબારનો ભાંડો ફૂટી ગયો હતો.
SOG દ્વારા 'ડમી ગ્રાહક' ઓપરેશન
SOG એ અત્યંત ગુપ્તતા જાળવીને આ ઓપરેશન પાર પાડ્યું હતું. ટીમે સ્પામાં ડમી ગ્રાહક મોકલીને પહેલા સમગ્ર ગેરકાયદેસર પ્રવૃત્તિની ખરાઈ કરી હતી. જ્યારે ડમી ગ્રાહક દ્વારા સંકેત મળ્યો કે સ્પાની આડમાં ખરેખર દેહ વ્યાપારનું રેકેટ ચાલી રહ્યું છે, ત્યારે SOGની ટીમે તાત્કાલિક દરોડો પાડ્યો હતો. આ દરોડામાં સ્થળ પરથી 2 પરપ્રાંતીય યુવતીઓ મળી આવી હતી, જેમને આ ગેરકાયદે ધંધામાં સામેલ કરવામાં આવી હતી. આ રીતે ડમી ગ્રાહકનો ઉપયોગ કરીને પોલીસે પુરાવા સાથે આ રેકેટને ઝડપી પાડ્યું હતું અને ગેરકાયદેસર પ્રવૃત્તિનો અંત આણ્યો હતો.













