સોશિયલ મીડિયા પર સસ્તી મળતી વસ્તુ ખરીદતા પહેલા થોડું વિચારજો, કારણ કે આવી લાલચ તમને છેતરપિંડીનો શિકાર બનાવી શકે છે. જેમાંથી લોકોને બચાવવા રાજ્ય પોલીસ દ્વારા જાહેરાત પણ કરવામાં આવી છે. કારણ કે તાજેતરમાં લોન્ચ થયેલો મોંઘો મોબાઈલ સસ્તા ભાવે ખરીદવા જતા કેટલાય લોકો છેતરપિંડીનો ભોગ બન્યા છે.
મોંઘી વસ્તુ સસ્તા ભાવે મેળવવાની લાલચ
ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવેલી પોસ્ટને ધ્યાનથી જુઓ કારણ કે આ પોસ્ટ તમને સાયબર છેતરપિંડીનો ભોગ બનતા અટકાવી શકે છે. કારણ કે તાજેતરમાં લોન્ચ થયેલો નવો મોબાઈલ લેવા માટે લોકોની ભીડ અને મારામારી તો તમે જોઈ હશે, જે બાદ સાયબર ક્રિમિનલ્સ તેનો જ લાભ ઉઠાવી ગ્રાહકો સાથે છેતરપિંડી કરે છે. અલગ અલગ સોશિયલ સાઈટ પર ફેક વેબસાઈટ બનાવી મોંઘી વસ્તુ સસ્તા ભાવે વેચવાની લાલચ આપી લોકો સાથે ઠગાઈ થઈ રહી હોવાનું સામે આવતા ગુજરાત પોલીસ દ્વારા આ પોસ્ટ મુકવામાં આવી છે.
સાયબર ક્રિમિનલ આવી પોસ્ટ મૂકી લોકો પાસેથી રૂપિયા પડાવતા હોય છે
સાયબર ક્રિમિનલ્સ હંમેશા છેતરપિંડી માટે એવો રસ્તો શોધતા હોય છે કે જેની માટે લોકો કંઈ પણ વિચાર્યા વિના રૂપિયા ચૂકવી શકે. જેમાં લોકોની દેખાદેખી, ઘેલછા તથા સસ્તી મળતી વસ્તુ પાછળ લોકો તરત રૂપિયા ચૂકવી દેતા હોવાથી સાયબર ક્રિમિનલ આવી પોસ્ટ મૂકી લોકો પાસેથી રૂપિયા પડાવતા હોય છે. સાથે જ આવી બનાવટી સાઈટ પર બેન્કની વિગત ભરવાથી પણ તમે સાયબર ક્રાઈમનો ભોગ બની શકો છો. કારણ કે બેન્કની માહિતી મળતા જ ગણતરીની મિનિટોમાં તમારું બેન્ક એકાઉન્ટ ખાલી પણ થઈ શકે છે. જેથી સાયબર ક્રાઈમના અધિકારી લોકોને સતર્ક રહેવા સૂચના આપતા હોય છે.
બનાવટી સાઈટ પર ઓર્ડર આપવામાં આવે છે
તાજેતરમાં વધેલા આ પ્રકારના સાઈબર ક્રાઈમની તપાસમાં એ હકીકત સામે આવી કે જ્યારે આવી બનાવટી સાઈટ પર ઓર્ડર આપવામાં આવે છે. ત્યારે માત્ર છેતરપિંડી થાય છે ગ્રાહકોને તેમની ખરીદેલી વસ્તુ પણ મળતી નથી. આ ઉપરાંત ક્યારેક ખાલી પાર્સલ તો ક્યારેક માત્ર રૂપિયા પડાવી લેતા હોવાનું પણ સામે આવ્યું છે. જેથી સાયબર ક્રાઈમ તમામ લોકોને સુરક્ષિત રહેવા અપીલ કરે છે.