મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દાહોદ પ્રવાસનો આજે બીજો દિવસ છે. પ્રવાસ દરમિયાન તેઓ ધાનપુર તાલુકાના રતનમહાલ વિસ્તારના ગાઢ જંગલમાં આવેલા ભૂવેરો ગામે પહોંચ્યા હતા. અહીં પ્રાચીન બાબાદેવના સ્થાનકે શ્રદ્ધાપૂર્વક દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ ગ્રામજનો સાથે જમીન પર સાદગીપૂર્વક બેસીને સંવાદ કર્યો હતો અને તેમના સ્થાનિક પ્રશ્નો સાંભળ્યા હતા.
બાબાદેવના સ્થાનકે દર્શન કરી આશીર્વાદ મેળવ્યા
રતનમહાલના જંગલ વિસ્તારમાં આવેલા ભૂવેરો ગામનું બાબાદેવનું સ્થાન આદિવાસી સમાજની લોકઆસ્થા અને પરંપરાનું પ્રતીક માનવામાં આવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અહીં પહોંચીને પ્રાચીન બાબાદેવના સ્થાનકે દર્શન કર્યા હતા અને આશીર્વાદ મેળવ્યા હતા.
ગ્રામજનો સાથે જમીન પર બેસીને સંવાદ
બાબાદેવના મંદિર ખાતે મુખ્યમંત્રીએ ગ્રામજનો સાથે જમીન પર બેસીને વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે ગ્રામજનોની રજૂઆતો સાંભળી હતી અને વિસ્તારના સ્થાનિક પ્રશ્નો વિશે જાણકારી મેળવી હતી.
પીપરગોટા આંગણવાડીની મુલાકાત
ત્યારબાદ મુખ્યમંત્રીએ પીપરગોટા ગામના આંગણવાડી કેન્દ્રની મુલાકાત લીધી હતી. અહીં આંગણવાડી સંચાલક અને બાળકો સાથે નાસ્તો કરીને કેન્દ્રની કામગીરી અંગે માહિતી મેળવી હતી. બાળકો સાથે મુલાકાત દરમિયાન તેમણે આંગણવાડીની વ્યવસ્થા અને ઉપલબ્ધ સુવિધાઓ વિશે પણ જાણકારી મેળવી હતી.
અધિકારીઓ સાથે બેઠકનો કાર્યક્રમ
પ્રવાસના બીજા દિવસે મુખ્યમંત્રી દ્વારા અધિકારીઓ સાથે બેઠક પણ યોજવામાં આવી હતી. આ પ્રવાસ દરમિયાન આદિવાસી સમાજના આગેવાનો, સરપંચો અને ગ્રામજનો સાથે સંવાદ તેમજ જિલ્લા વહીવટી તંત્ર સાથે સમીક્ષા બેઠકનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે.
આ પણ વાંચો : Explainer : ‘મર્દ કો દર્દ નહીં હોતા’ની માન્યતા પાછળ પુરુષોની વેદના, બદનામીના ડરથી 78 ટકા પીડિત પતિઓ મૌન