ગુજરાતના રાજકારણમાં ક્યારે શું બદલાવ આવે તે કહી શકાતું નથી, અને તેનું જીવંત ઉદાહરણ દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા પંથકમાંથી સામે આવ્યું છે. જ્યાં એક તરફ પુત્ર ભાજપના પાર્ટી પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે, તો બીજી તરફ તેમના જ પિતા કરણ મામાએ કોંગ્રેસનો ખેસ ધારણ કરીને રાજકીય ગલિયારામાં ભારે ચર્ચા જગાવી છે. આ પક્ષપલટા દરમિયાન કોંગ્રેસ જિલ્લા પ્રમુખ હર્ષદભાઈ નિનામાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી, તેમજ 134 વિધાનસભાના પ્રભારી એડવોકેટ સુરેશ પટેલ અને શહેર કોંગ્રેસ પ્રમુખ ઈશ્વરભાઈ વખલા પણ હાજર રહ્યા હતા. પિતાના આ પગલાથી ભાજપ મોરચે આશ્ચર્યની લાગણી ફેલાઈ ગઈ છે.
અવગણનાના કારણે બદલ્યો પક્ષ
ભાજપના પાયાના અને સિનિયર નેતા તરીકે જાણીતા કરણ મામાનો રાજકીય પ્રભાવ મોટો રહ્યો છે. તેઓ લાંબા સમયથી પૂર્વ તાલુકા પ્રમુખની જવાબદારી નિભાવી ચૂક્યા છે તેમજ છેલ્લા 3૦ વર્ષથી સતત ખજૂરી ગામના સરપંચ તરીકે સેવા આપી રહ્યા છે. પ્રાથમિક વિગતો મુજબ, પક્ષની અંદર લાંબા સમયથી યોગ્ય માન-સન્માન નહીં મળતું હોવાની લાગણી અને પોતાની અવગણના થતી હોવાના કારણે તેમણે આ મોટું પગલું ભર્યું છે. પક્ષના વફાદાર ગણાતા આગેવાન દ્વારા આકસ્મિક રીતે કોંગ્રેસમાં જોડાવવાનો નિર્ણય લેવાતા વિરોધી છાવણીમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
