ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) આજથી આગામી ૩ (3) દિવસ સુધી એટલે કે 18 નવેમ્બરથી 20 નવેમ્બર સુધી દાહોદ જિલ્લાના સઘન પ્રવાસે રહેશે. આ પ્રવાસ દરમિયાન તેઓ રાજ્યના અંતરિયાળ આદિવાસી વિસ્તારોની મુલાકાત લઈને ત્યાંના નાગરિકોની જીવનશૈલી અને વિકાસ કાર્યોનો તાગ મેળવશે. ખાસ કરીને, CM આદિવાસી પરિવારોના ઘરે જઈને તેમની સાથે ભોજન લેશે અને ગ્રામજનો સાથે સીધો સંવાદ કરીને સ્થાનિક સમસ્યાઓ અને વિકાસના કામો અંગે રૂબરૂ માહિતી મેળવશે.

ગરબાડા અને ધાનપુર તાલુકામાં કાર્યક્રમોની રેલછેલ

પ્રવાસના કાર્યક્રમ મુજબ, CM આજે સવારે 10:30 કલાકે ગરબાડા (Garbada) ના હેલિપેડ ખાતે આગમન કરશે. ત્યારબાદ સવારે 10:35 કલાકે ગરબાડા ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને તેમના આ પ્રવાસનો સત્તાવાર પ્રારંભ કરશે. આ દરમિયાન તેઓ આદિવાસી ભજન મંડળીઓના ભજન-કીર્તનના સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ વિશેષ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત, ધાનપુર તાલુકાના કંજેટા (Kanjeta) ખાતે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજીને વિવિધ વિકાસ કાર્યોની સઘન સમીક્ષા કરશે.

આસ્થાના કેન્દ્ર બાબા ધોડાજાર મંદિરના દર્શન સાથે પ્રવાસનું સમાપન

આદિવાસીઓની આસ્થાના પ્રતીક સમાન પાટાડુંગરી (Patadungari) ખાતે આવેલા પ્રખ્યાત બાબા ધોડાજાર દેવમંદિરે જઈને CM પૂજા-અર્ચના અને દર્શન કરશે. પ્રવાસના અંતિમ દિવસે દાહોદ સ્માર્ટ સિટી (Dahod Smart City) અંતર્ગત નિર્મિત સરકારી લાયબ્રેરીની મુલાકાત લઈને ત્યાં અભ્યાસ કરતા બાળકો અને યુવાનો સાથે વિશેષ સંવાદ કરશે. ચૂંટણીના માહોલ વચ્ચે CMના આ દાહોદ પ્રવાસથી સ્થાનિક સ્તરે વિકાસના મુદ્દાઓ પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે, જેને લઈને રાજકીય અને પ્રશાસનિક વર્તુળોમાં ભારે ચર્ચાઓ ચાલી રહી છે.

આ પણ વાંચો : Vadodara: ડભોઈ રેલવે પોલીસ સ્ટેશનના મહિલા PSI અંકિતાબેન પંડ્યા ₹20,000ની લાંચ લેતા ACBના છટકામાં સપડાયાં