ગુજરાત રાજ્યમાં શિક્ષણના સ્તરને વધુ મજબૂત કરવા અને પ્રત્યેક બાળક સુધી અક્ષરજ્ઞાન પહોંચાડવાના હેતુથી ‘કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ - 2026’ની રાજ્યવ્યાપી ઉજવણી થઈ રહી છે. આ અભિયાનના દ્વિતીય દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દાહોદ જિલ્લાના મોટી ખરજ ગામે ઉત્સાહભેર ઉપસ્થિત રહીને નાના-નાના ભૂલકાંઓનો શાળા પ્રવેશ કરાવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતે વાલીની ભૂમિકા ભજવી બાળકોને શાળાના પવિત્ર આંગણે આવકારી પ્રોત્સાહિત કર્યા હતા.
318 ભૂલકાંઓને શૈક્ષણિક કીટ વિતરણ અને ‘એક પેડ માં કે નામ’ હેઠળ વૃક્ષારોપણ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટી ખરજના રાહડુંગરી વર્ગ પ્રાથમિક શાળા ખાતે આયોજિત કાર્યક્રમમાં બાલવાટિકાના 67 અને અન્ય ધોરણોના મળીને કુલ 318 જેટલા ભૂલકાંઓને આકર્ષક શૈક્ષણિક કીટ તેમજ સ્કૂલ બેગ એનાયત કરી હતી. આ કીટ મેળવીને બાળકોના ચહેરા ખીલી ઉઠ્યા હતા. શિક્ષણની સાથે પર્યાવરણ જતનનો અનોખો સંદેશ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાળાના પ્રાંગણમાં ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત ગ્રીન ગુજરાતના સંકલ્પ સાથે વૃક્ષારોપણ પણ કર્યું હતું. આ અવસરે તેમણે જણાવ્યું કે, આજે રાજ્યની સરકારી અને ગ્રામ્ય વિસ્તારની શાળાઓ પણ સ્માર્ટ ક્લાસરૂમ, કોમ્પ્યુટર અને સાયન્સ લેબ જેવી અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ થઈ ગુણાત્મક પરિવર્તન લાવી રહી છે.
આદિવાસી યુવાનો શિક્ષણ થકી દેશ-દુનિયામાં વધારી રહ્યા છે ગૌરવ: જસવંતસિંહ ભાભોર
આ પ્રસંગે ઉપસ્થિત સાંસદ જસવંતસિંહ ભાભોરે પણ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. તેમણે આદિવાસી સમાજના સર્વાંગી ઉત્થાન અને વનબંધુઓના કલ્યાણ માટે રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે કરવામાં આવેલા અવિરત પ્રયાસોની મુક્તકંઠે સરાહના કરી હતી. સાંસદે ગર્વભેર જણાવ્યું કે, સરકારની શિક્ષણલક્ષી નીતિઓના પરિણામે જ આજે આદિવાસી સમાજના યુવાનો ઉચ્ચ શિક્ષણ મેળવીને ડૉક્ટર, એન્જિનિયર અને વકીલ જેવા પ્રતિષ્ઠિત પદો પર પહોંચીને પોતાના પરિવાર અને સમગ્ર સમાજનું ગૌરવ વધારી રહ્યા છે.
"આખો દિવસ ટીવી-મોબાઈલ નહીં..." મુખ્યમંત્રીએ બાળકોને આપી ખાસ ડિજિટલ શિખામણ
કાર્યક્રમના અંતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બાળકો સાથે ખૂબ જ હળવા અંદાજમાં વાર્તાલાપ કર્યો હતો. તેમણે આજના ડિજિટલ યુગમાં બાળકોને ટેક્નોલોજીના સદુપયોગ અને સમય મર્યાદાનું મહત્વ સમજાવતા સ્મિત સાથે ટકોર કરી હતી કે, “આખો દિવસ ટીવી અને ટીવી છૂટ્યું તો મોબાઈલ... પણ એનો ટાઈમ નક્કી કરવો પડે ને.” મુખ્યમંત્રીની આ સહજ અને વહાલભરી શિખામણને ત્યાં ઉપસ્થિત બાળકો તેમજ વાલીઓએ હર્ષનાદ સાથે આવકારી હતી.
આ પણ વાંચો - Ahmedabad News: AMCએ 8 હોટેલ અને નવકાર ઇન્સ્ટિટ્યૂટ સીલ કરી, 54થી વધુ એકમોને નોટિસ









