દેશના અલગ-અલગ રાજ્યોમાં તાજેતરમાં દિલ્હી અને લખનઉ ખાતે બનેલી ભયાનક આગની ઘટનાઓ બાદ અમદાવાદ મહાનગરપાલિકાનું તંત્ર સંપૂર્ણપણે હરકતમાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં આવી કોઈ અનિચ્છનીય દુર્ઘટના ન ઘટે તે માટે મનપાના ફાયર વિભાગ દ્વારા કડક ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ફાયર સેફ્ટીના સાધનો અને નિયમોના ભંગ બદલ મનપાએ આક્રમક વલણ અપનાવી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.


ફાયર સેફ્ટી અને ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ 8 હોટેલો કરાઈ સીલ

આ મેગા ડ્રાઈવ અંતર્ગત ફાયર વિભાગની અલગ-અલગ ટીમોએ શહેરની અનેક હોટેલોમાં ઓચિંતું ચેકિંગ હાથ ધર્યું હતું. આ તપાસ દરમિયાન ફાયર એનઓસી ન હોવા બદલ તેમજ અલગ-અલગ ટ્રાફિક અને પાર્કિંગના નિયમોના ઉલ્લંઘન બદલ તંત્રએ લાલ આંખ કરી છે. ફાયર વિભાગે તાત્કાલિક પગલાં લેતા કુલ 37 હોટેલોને વહીવટી નોટિસ ફટકારી છે, જ્યારે નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરતી 8 હોટેલોને મોક આઉટ કરી સીલ મારી દીધા છે.

શૈક્ષણિક સંસ્થાઓ પર પણ ત્રાટકી ટીમ

હોટેલો ઉપરાંત, વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાને રાખીને AMC ફાયર વિભાગે શૈક્ષણિક સંસ્થાઓ, ટ્યુશન ક્લાસીસ અને એકમોમાં પણ સઘન ચકાસણી હાથ ધરી છે. આ તપાસ દરમિયાન સેફ્ટીના માપદંડો યોગ્ય ન જણાતા 17 જેટલા શૈક્ષણિક એકમોને નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન શહેરની જાણીતી 'નવકાર ઇન્સ્ટિટ્યૂટ' સામે કડક પગલાં ભરી તેને સીલ કરી દેવામાં આવી છે. અમદાવાદ મનપાના સત્તાધીશોના જણાવ્યા અનુસાર, શહેરીજનોની સુરક્ષા સાથે કોઈ પણ પ્રકારના સમાધાન વગર આ ચેકિંગની કામગીરી આગામી દિવસોમાં કરવામાં આવશે.


આ પણ વાંચો - Ahmedabad News : શહેરમાં CG રોડ પર લગાવવામાં આવેલા પેલિકન સિગ્નલના પુશબોક્સના કાચ તૂટ્યા


  • Follow us on: