અમદાવાદમાં ઓનલાઈન ગેમિંગ અને સટ્ટાબાજીના નામે નિર્દોષ લોકોને સેરવી લેતી ગેંગ સક્રિય થઈ છે, જેનો સાયબર ક્રાઈમ દ્વારા મોટો પર્દાફાશ કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારમાં કુખ્યાત 'REDDY ANNA' વેબસાઈટ અને એપ્લિકેશનનો ઉપયોગ કરીને ઓનલાઈન સટ્ટા-બેટિંગનું મોટું કૌભાંડ ચાલી રહ્યું હોવાની બાતમીના આધારે પોલીસે રેડ કરી હતો. આ હાઈટેક સટ્ટા નેટવર્ક દ્વારા ગ્રાહકોના નકલી આઈડી ખોલાવી, મોટું વળતર આપવાની લાલચ આપીને રોકાણ કરાવી મોટા પાયે ઠગાઈ આચરવામાં આવતી હતી.
રોકાણકારોના કરોડો રૂપિયા 'મ્યુલ એકાઉન્ટ'માં ટ્રાન્સફર કરી સગેવગે કરાતા
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ આખી ગેંગ ખૂબ જ શાતિર રીતે નાણાકીય ટ્રાન્ઝેક્શન કરતી હતી. ગ્રાહકો પાસેથી મેળવેલા રોકાણ અને સટ્ટાના નાણાં સીધા પોતાના ખાતામાં લેવાને બદલે, ભાડે રાખેલા કે અન્ય વ્યક્તિઓના નામે ખોલાવાયેલા 'મ્યુલ એકાઉન્ટ'માં ટ્રાન્સફર કરવામાં આવતા હતા. કૌભાંડની તપાસ દરમિયાન કોસમોસ બેંકના એકાઉન્ટ્સ ચેક કરતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી, જેમાં ટૂંકા ગાળામાં જ કરોડો રૂપિયાની હેરફેર થઈ હોવાની વિગતો સામે આવી છે.













