ગુજરાત હાઈકોર્ટે લોકશાહીના ચોથા સ્તંભ ગણાતા પત્રકારત્વ અને માહિતી અધિકાર કાયદાના નામે ચાલતી કાળી કમાણી અને બ્લેકમેલિંગના દૂષણ પર પ્રહાર કરતા એક અત્યંત કડક વલણ અપનાવ્યું છે. અદાલતે પત્રકારત્વના ઓઠા હેઠળ અંગત સ્વાર્થ સાધનારા અને લોકો પર કાયદાનું દબાણ લાવીને રૂપિયા પડાવનારા તથાગત પત્રકારો સામે લાલ આંખ કરી છે. એક કેસની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં ટકોર કરી હતી કે, પત્રકારત્વનો કાયદો કે વ્યવસાય ક્યારેય એકતરફી કે પૂર્વગ્રહયુક્ત -હેતુ યુક્ત હોઈ શકે નહીં.


RTI નિયમ સામાન્ય લોકોની મદદ માટે છે: HC

હાઈકોર્ટે આરટીઆઈ કાયદાની મૂળ ભાવનાને યાદ અપાવતા જણાવ્યું કે, વર્ષ 2005માં અમલી બનેલો આ નિયમ સામાન્ય લોકોની મદદ કરવા અને સરકારી તંત્રમાં પારદર્શિતા લાવવા માટે બનાવવામાં આવ્યો હતો. પરંતુ કેટલાક પત્રકારો આ કાયદાનો મનફાવે તેમ ઉપયોગ કરી રહ્યા છે, જે કાયદાનો સરેઆમ દુરુપયોગ છે. 

નિર્દોષ લોકો પર દબાણ કરવાનો ઉપાય

અદાલતે ચિંતા વ્યક્ત કરી હતી કે, આરટીઆઈ હવે સામાન્ય અને નિર્દોષ લોકો પર દબાણ બનાવી ખોટી રીતે પૈસા પડાવવાનું એક હથિયાર બની ગયું છે. દબાણપૂર્વક રૂપિયા ઉઘરાવવા તે કોઈ પણ કાળે પત્રકારત્વ નથી.

કથિત પત્રકારો દ્વારા 800 RTI દાખલ કરવામાં આવી

આ ચોંકાવનારા કિસ્સાની વિગતો આપતા હાઈકોર્ટે નોંધ્યું કે,અત્યાર સુધીના સમયગાળામાં અમુક ચોક્કસ કથિત પત્રકારો દ્વારા 800 જેટલી મસમોટી સંખ્યામાં RTI દાખલ કરવામાં આવી છે. આ આંકડો જ સાબિત કરે છે કે કાયદાનો ઉપયોગ જનહિત માટે નહીં પણ વ્યક્તિગત હિત કે ચોક્કસ એજન્ડા હેઠળ ટાર્ગેટ કરવા માટે કરવામાં આવ્યો છે.

નકલી રોફ જમાવતા તત્વોમાં ભારે ફફડાટ

કાયદાની આડમાં બ્લેકમેલિંગ કરનારા તત્વો સામે હવે કોર્ટે કડક કાનૂની સકંજો કસવાના સંકેત આપી દીધા છે, જેને પગલે પત્રકારત્વના નામે નકલી રોફ જમાવતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. 


આ પણ વાંચો----    Sandesh Digital Explainer : મેઘરાજાની એન્ટ્રીનું કાઉન્ટડાઉન..! જાણો છેલ્લા 10 વર્ષમાં ક્યારે વહેલા પધાર્યા અને ક્યારે કરાવ્યો ભારે ઈન્તેઝાર?

  • Follow us on: