ગુજરાત હાઈકોર્ટે સરકારી તંત્ર અને વહીવટી બાબુઓની આડોડાઈ તેમજ બેદરકારી સામે લાલઘૂમ થઈને એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. અદાલતના આદેશોને ગંભીરતાથી ન લેતા અને આદેશનું સમયસર પાલન ન કરતા શિક્ષણ વિભાગના સચિવ પર હાઈકોર્ટે ભારે નારાજગી વ્યક્ત કરી છે. કોર્ટે ન્યાયિક પ્રક્રિયાની અવગણના કરવા બદલ શિક્ષણ સચિવને 1 લાખનો આકરો દંડ ફટકાર્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આ દંડની રકમ સરકારી તિજોરીમાંથી નહીં, પરંતુ સચિવે પોતાની વ્યક્તિગત ખિસ્સામાંથી ભરવી પડશે.


બે શાળાઓની માન્યતા રદ મુદ્દે હતી અરજી 

મળતી વિગતો અનુસાર, આ સમગ્ર વિવાદ બે શાળાઓની માન્યતા રદ કરવાના મુદ્દે થયેલી એક અરજી સાથે જોડાયેલો છે. આ કેસની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે પૂર્વ નિયત સમયમર્યાદામાં શિક્ષણ વિભાગને ચોક્કસ કાયદાકીય હુકમનું પાલન કરવાનો આદેશ આપ્યો હતો. જો કે, સરકારી બાબુઓની હંમેશાની ઢીલી નીતિના કારણે હાઈકોર્ટના આ હુકમનું પાલન કરવામાં આવ્યું ન હતું. કોર્ટના આદેશની સરેઆમ અવહેલના થતાં હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું હતું.

દંડની રકમ વિદ્યાર્થીઓના વેલ્ફેર માટે વપરાશે

હાઈકોર્ટે આ ચુકાદામાં એક પ્રશંસનીય ઉદાહરણ પૂરું પાડતા જણાવ્યું છે કે, સચિવ પાસેથી વસૂલવામાં આવનારી આ રૂ. 1 લાખના દંડની રકમનો ઉપયોગ વિદ્યાર્થીઓના કલ્યાણ માટે કરવામાં આવશે. 

દંડ ભર્યાની અસલી પહોંચ સાથે રૂબરૂ કોર્ટમાં હાજર થવા માટેનો આકરો હુકમ

અદાલતે આ મામલાને અત્યંત ગંભીર ગણીને શિક્ષણ સચિવને માત્ર દંડ જ નથી કર્યો, પરંતુ આગામી સુનાવણી વખતે દંડ ભર્યાની અસલી પહોંચ સાથે રૂબરૂ કોર્ટમાં હાજર થવા માટેનો આકરો હુકમ પણ જારી કર્યો છે. હાઈકોર્ટની આ કડક કાર્યવાહી બાદ સચિવાલયના ઉચ્ચ અધિકારીઓ અને કચેરીઓમાં ભારે સન્નાટો અને ફફડાટ વ્યાપી ગયો છે.


આ પણ વાંચો----   Sandesh Digital Explainer : મેઘરાજાની એન્ટ્રીનું કાઉન્ટડાઉન..! જાણો છેલ્લા 10 વર્ષમાં ક્યારે વહેલા પધાર્યા અને ક્યારે કરાવ્યો ભારે ઈન્તેઝાર?




  • Follow us on: