NEET પરીક્ષા પેપર લીક મામલાને પગલે ટેલિગ્રામ એપ પર લાગેલા પ્રતિબંધ મુદ્દે દિલ્હી હાઈકોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે ટેલિગ્રામ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. સરકારે કોર્ટમાં દાવો કર્યો કે ટેલિગ્રામ આતંકવાદી અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે સૌથી અનુકૂળ પ્લેટફોર્મ બની ગયું છે.
શું કહ્યું કેન્દ્ર સરકારે?
કેન્દ્ર સરકાર દ્વારા દાખલ કરાયેલા સોગંદનામામાં જણાવાયું છે કે ટેલિગ્રામનો ઉપયોગ લીક થયેલા પરીક્ષા પેપરના પ્રસાર, સાયબર ઠગાઈ, ડ્રગ્સની હેરાફેરી, આતંકવાદી પ્રવૃત્તિઓ, બાળ યૌન શોષણ સંબંધિત સામગ્રી, કૉપિરાઇટ પાયરેસી અને નાણાકીય કૌભાંડો સહિત અનેક ગેરકાયદેસર કાર્યો માટે થઈ રહ્યો છે. સુનાવણી દરમિયાન એટર્ની જનરલ આર. વેંકટરમણીએ ટેલિગ્રામને 'ફ્રેન્કનસ્ટાઈન' સાથે સરખાવતા જણાવ્યું કે જો કોઈ ડિજિટલ પ્લેટફોર્મ પોતાની કાનૂની જવાબદારીઓનું પાલન કરવામાં નિષ્ફળ જાય તો તે પ્રમાણસરતાનો દાવો કરી શકતું નથી.
તમામ દલીલો રેકોર્ડ પર લેવામાં આવી
સરકારે કોર્ટને માહિતી આપી કે ટેલિગ્રામ પર ‘NEET Mafia’ નામની એક ચેનલ કાર્યરત છે, જેના લગભગ 18 હજાર સબ્સ્ક્રાઈબર્સ છે. સરકારના મતે આવા માધ્યમો દ્વારા પેપર લીક અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને જણાવ્યું કે કેબિનેટ સચિવની અધ્યક્ષતામાં બનેલી રિવ્યૂ કમિટીએ ટેલિગ્રામના પ્રતિનિધિઓની રજૂઆતો સાંભળી હતી અને તમામ દલીલો રેકોર્ડ પર લેવામાં આવી હતી.
ટેલિગ્રામ તરફથી બચાવ માટે શું દલીલો કરાઈ?
બીજી તરફ, ટેલિગ્રામના વકીલ ધ્રુવ મહેતાએ દલીલ કરી કે સમગ્ર એપ પર પ્રતિબંધ મૂકવાને બદલે માત્ર વાંધાજનક કન્ટેન્ટને બ્લોક કરી શકાય. હાઈકોર્ટે પણ નોંધ્યું કે ઇમરજન્સી સત્તાનો ઉપયોગ યોગ્ય રીતે થયો છે કે નહીં અને સમગ્ર પ્લેટફોર્મ પર પ્રતિબંધ જરૂરી હતો કે નહીં, તે મુદ્દે વિગતવાર વિચારણા કરવામાં આવશે. હાલ આ મામલો કોર્ટમાં પેન્ડિંગ છે અને આગામી સુનાવણીમાં મહત્વપૂર્ણ નિર્ણય આવી શકે છે.
આ પણ વાંચો : Land Acquisition:શું તમારી જમીન પર પણ બની રહ્યું છે એરપોર્ટ? જાણો સરકાર પ્રતિ વીઘા કેટલા રૂપિયા ચૂકવે છે