દેશમાં જ્યારે પણ કોઈ નવું એરપોર્ટ, હાઈવે કે અન્ય સરકારી પ્રોજેક્ટ શરૂ થાય છે, ત્યારે સૌથી મોટો પ્રશ્ન જમીન સંપાદન (Land Acquisition) અને ખેડૂતોને મળતા વળતર (મુઆવજા) નો હોય છે. નોઈડાના જેવર ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી પ્રથમ કોમર્શિયલ ફ્લાઈટ શરૂ થયા બાદ, દેશભરમાં જમીનના વળતરને લઈને ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. જો ભવિષ્યમાં કોઈ સરકારી પ્રોજેક્ટ માટે તમારી જમીન, ખેતર કે પ્લોટ લેવામાં આવે, તો તમને પ્રતિ વીઘા કેટલા પૈસા મળી શકે છે, તેનો સંપૂર્ણ હિસાબ અહીં સમજો.


પ્રતિ વીઘા કેટલા રૂપિયા મળે છે?

સરકાર જ્યારે પણ કોઈ મોટા પ્રોજેક્ટ માટે જમીન સંપાદન કરે છે, ત્યારે વળતરની રકમ સંપૂર્ણપણે તે વિસ્તારની લોકેશન અને માર્કેટ વેલ્યુ (બજાર કિંમત) પર નિર્ભર કરે છે. સામાન્ય રીતે જોવામાં આવે તો, સરકાર અલગ-અલગ રાજ્યોમાં ખેડૂતોને પ્રતિ એકર આશરે 1 કરોડથી લઈને 2.5 કરોડ સુધીનું વળતર આપે છે. જો આ ગણિતને સામાન્ય ભાષામાં પ્રતિ વીઘાના રેટમાં સમજીએ, તો તે આશરે 20 લાખથી લઈને 60 લાખ રૂપિયા પ્રતિ વીઘા જેટલું થાય છે. જોકે, આ દર રાજ્ય અને વિસ્તારના આધારે બદલાઈ શકે છે.

કઈ રીતે નક્કી થાય છે જમીનનો ભાવ?

સરકાર જમીનનો ભાવ પોતાની મરજીથી નક્કી નથી કરતી, પરંતુ તેના માટે દેશમાં એક મજબૂત કાયદો છે. વર્ષ 2013 ના 'ભૂમિ સંપાદન, પુનર્વસન અને પુનઃવ્યવસ્થાપનમાં ઉચિત વળતર અને પારદર્શિતાના અધિકાર અધિનિયમ' હેઠળ આ નિયમો બનેલા છે.

ગ્રામીણ વિસ્તાર: જો તમારી જમીન ગામડામાં આવતી હોય, તો સરકાર ત્યાંની વર્તમાન માર્કેટ વેલ્યુ કરતાં બે થી ચાર ગણું વધુ વળતર આપે છે.

શહેરી વિસ્તાર: જો જમીન શહેરી વિસ્તારમાં હોય, તો માલિકને બજાર કિંમત કરતાં બમણી (બે ગણી) રકમ વળતર તરીકે મળે છે.

મકાન, કુવા અને ઝાડ-પાનના અલગથી પૈસા!

સરકાર માત્ર ખાલી જમીનના જ પૈસા નથી આપતી, પરંતુ તે જમીન પર રહેલી દરેક વસ્તુનું મૂલ્યાંકન કરવામાં આવે છે. જો જમીન પર કોઈ કાચું-પાકું મકાન, કુવો, ટ્યુબવેલ કે વૃક્ષો હોય, તો સરકારી અધિકારીઓ તેની બજાર કિંમત આંકશે. ત્યારબાદ તે રકમ પર ૧૦૦% વધારાનું નુકસાની વળતર (જેને સોલેશિયમ કહેવાય છે) ઉમેરીને બમણી રકમ ચૂકવવામાં આવે છે.

ઘર, નોકરી અને વ્યાજનો પણ ફાયદો

જમીનની કિંમત ઉપરાંત સરકાર વિસ્થાપિત થતા પરિવારોને 'પુનર્વસન પેકેજ' આપે છે. જેમના ઘર પ્રોજેક્ટમાં જતા રહે છે, તેમને રહેવા માટે અલગ પ્લોટ અથવા મકાન બનાવવા માટે દોઢ લાખ કે તેથી વધુની એકમુકત રકમ મળે છે. આ સિવાય, સરકાર જમીન સંપાદનની નોટિસ જાહેર કરે તે તારીખથી લઈને ખરેખર પૈસા મળે ત્યાં સુધીના સમયગાળાનું ૧૨ ટકાની દરે વધારાનું વ્યાજ પણ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે છે.

આ પણ વાંચો:Canada:ઇમિગ્રેશનની કડક નીતિ નડી! કેનેડાની વસ્તીમાં નોંધાયો મોટો ઘટાડો, શું સરકાર ફરીથી નિયમો હળવા કરશે?

  • Follow us on: