દાહોદ શહેરના ટ્રાફિકથી સતત ધમધમતા એવા ઠક્કર ફળિયા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક રહેણાંક મકાનમાં અચાનક જંગલી શિયાળ ઘૂસી ગયું હતું. ઘરના સભ્યો કંઈ સમજે તે પહેલાં જ શિયાળ સીધું બાથરૂમમાં જઈને ભરાઈ ગયું હતું. શહેરી વિસ્તારમાં અને તે પણ ગીચ લોકેશન પર જંગલી જાનવર આવી ચડતાં મકાનમાલિક સહિત આસપાસના લોકોમાં ભારે ભય અને સન્નાટો વ્યાપી ગયો હતો.
પ્રકૃતિ મિત્ર મંડળની ટીમે ભારે જહેમત બાદ શિયાળનું કર્યું સફળ રેસ્ક્યુ
શિયાળ બાથરૂમમાં પૂરાયેલું હોવાનું માલૂમ પડતાં જ પરિવારજનોએ સમજદારી દાખવીને તુરંત પ્રકૃતિ મિત્ર મંડળના સભ્યોને ઘટના અંગે જાણ કરી હતી. માહિતી મળતાં જ પ્રકૃતિ મિત્ર મંડળની અનુભવી રેસ્ક્યુ ટીમ તાબડતોબ સ્થળ પર પહોંચી ગઈ હતી. બાથરૂમમાં ઘેરાયેલા જંગલી શિયાળને કોઈ પણ ઈજા પહોંચાડ્યા વગર સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે ટીમે ભારે જહેમત ઉઠાવી હતી અને આખરે સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી લીધું હતું.
