ગુજરાત રાજ્યમાંથી ચોમાસાએ સત્તાવાર રીતે વિદાય લઈ લીધી છે, જેના પગલે હવે વાતાવરણમાં મોટો પલટો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની તાજેતરની આગાહી અનુસાર, આગામી સાત દિવસ દરમિયાન સમગ્ર રાજ્યમાં વાતાવરણ સંપૂર્ણપણે સૂકું રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અગાઉ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદી ઝાપટાં નોંધાયા હતા, પરંતુ હવે ચોમાસાની વિદાય થતાં જ રાજ્યભરમાં સૂકા પવનો ફૂંકાવાનું શરૂ થઈ ગયું છે.

અમદાવાદ સહિતના શહેરોમાં ગરમીનો પ્રકોપ

ચોમાસું પૂરું થતાં જ ભાદરવાના આકરા તાપ અને બફારાએ લોકોની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે. હાલ રાજ્યમાં ઉત્તર-પશ્ચિમથી ઉત્તર તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે ગરમી અને બફારાનું પ્રમાણ સતત વધી રહ્યું છે. અમદાવાદ સહિતના મોટા ભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 2 ડિગ્રી વધુ નોંધાઈ રહ્યું છે. અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે, જેના કારણે લોકોને શિયાળા પહેલાં ઉનાળા જેવી આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.

ઓક્ટોબર હીટ અને ભાદરવાના આકરા તાપથી જનજીવન પ્રભાવિત

દક્ષિણ-પશ્ચિમ પવનો બદલાઈને ઉત્તર-પશ્ચિમી થતાં જ ઓક્ટોબર હીટની અસર વર્તાવા લાગી છે. બપોરના સમયે તાપમાન 37 થી 38 ડિગ્રી સુધી પહોંચી જતાં રસ્તાઓ પર લોકો મોં-માથું ઢાંકીને નીકળવા મજબૂર બન્યા છે. હવામાન નિષ્ણાતોના મતે આગામી દિવસોમાં પણ વાતાવરણ સૂકું રહેશે અને ગરમીનું આ જોર યથાવત રહેવાની શક્યતા છે, જેથી નાગરિકોને ભાદરવાના આકરા તાપ સામે રક્ષણ મેળવવા કાળજી રાખવાની સલાહ આપવામાં આવી છે.

આ પણ વાંચો : Rajkotમાં નવરાત્રીને લઈને શહેર પોલીસ સજ્જ, 660 પ્રાચીન ગરબી અને 41થી વધુ કોમર્શિયલ આયોજનો પર ચુસ્ત નજર!