દાહોદ જિલ્લામાં ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) ની ટીમ દ્વારા મહત્વપૂર્ણ તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવતા દાહોદ-ઝાલોદ રોડ સહિત સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ, જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા આરોપી મોહમ્મદ શહરુલ ઇસ્લામને તપાસ અર્થે દાહોદ લાવવામાં આવ્યો હતો. હથિયાર મેળવવા અંગેની મળેલી ચોક્કસ માહિતી અને કડીઓના આધારે ATSની ટીમે આ સમગ્ર ઓપરેશન હાથ ધર્યું હતું, જેના પગલે સ્થાનિક તંત્ર અને સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક બની હતી.

ડોકી ગામના જંગલ વિસ્તારમાં રિકન્સ્ટ્રક્શન અને પૂછપરછ

દાહોદ લાવવામાં આવેલા આરોપી મોહમ્મદ શહરુલ ઇસ્લામને સાથે રાખીને ATSની ટીમે ડોકી ગામના જંગલ વિસ્તારમાં ઘટનાક્રમનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. હથિયારોની હેરાફેરી કે છુપાવવાની સંભવિત જગ્યાઓ અંગે આરોપી પાસેથી ઝીણવટભરી પૂછપરછ કરવામાં આવી હતી અને જંગલ વિસ્તારમાં જરૂરી ચકાસણી હાથ ધરવામાં આવી હતી. સુરક્ષાના કારણોસર સમગ્ર કાર્યવાહી દરમિયાન ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને તપાસની દરેક વિગત પર એજન્સીઓ દ્વારા નજર રાખવામાં આવી રહી છે.

તપાસ પૂર્ણ થયા બાદ ATSની ટીમ આરોપીને લઈ પરત રવાના

ડોકી ગામના જંગલ વિસ્તારમાં રિકન્સ્ટ્રક્શન અને પૂછપરછની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ATSની ટીમ આરોપી મોહમ્મદ શહરુલ ઇસ્લામને લઈને પરત રવાના થઈ હતી. આ કેસમાં હથિયાર સપ્લાયના નેટવર્ક અને અન્ય સંડોવાયેલા શખ્સો સુધી પહોંચવા માટે એજન્સીઓ દ્વારા આગળની તપાસ તેજ કરવામાં આવી છે. દાહોદ-ઝાલોદ રોડ પર ATSના કાફલા અને કાર્યવાહીને લઈને દિવસભર લોકોમાં અનેક ચર્ચાઓ જોવા મળી હતી.

આ પણ વાંચો : Unaના નાથળ ગામેથી 'લૂંટેરી દુલ્હન' રંગેહાથ ઝડપાઈ, રૂ. 100ના સ્ટેમ્પ પર બીજા લગ્ન કરતી વખતે જ ભાંડો ફૂટ્યો