ઉના તાલુકાના નાથળ ગામેથી એક 'લૂંટેરી દુલ્હન' રંગેહાથ ઝડપાઈ હોવાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ, આ ઠગ યુવતીએ અગાઉ ધામળેજના એક યુવાન સાથે લગ્ન કરીને વિશ્વાસ કેળવ્યો હતો અને ત્યારબાદ તેની પાસેથી રૂ. 2 લાખ રોકડ તેમજ સોના-ચાંદીના દાગીના પડાવી લીધા હતા. લગ્નના માત્ર 8 જ દિવસમાં યુવતીએ મામાના ઘરે જવાનું બહાનું કાઢ્યું હતું અને ત્યારબાદ રોકડ તથા દાગીના લઈને ફરાર થઈ ગઈ હતી, જેના કારણે ભોગ બનનાર યુવાન અને તેનો પરિવાર મુશ્કેલીમાં મુકાયો હતો.
સોશિયલ મીડિયા પર ફોટા વાયરલ થતા બીજા લગ્નનો ભાંડો ફૂટ્યો
ધામળેજના યુવાનને છેતર્યા બાદ આ યુવતી અટકી ન હતી અને તેણે અન્ય યુવાનને પોતાનો શિકાર બનાવવાનું કાવતરું ઘડ્યું હતું. યુવતી ઉનાના નાથળ ગામે રૂ. 100ના સ્ટેમ્પ પેપર પર બીજા લગ્ન કરી રહી હતી. જોકે, આ દરમિયાન તેના લગ્નના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થતા ફરાર થયેલી યુવતીની ભાળ તેના પૂર્વ પતિને મળી ગઈ હતી. પૂર્વ પતિને સમગ્ર હકીકતની જાણ થતાં જ તેણે તાત્કાલિક સતર્કતા દાખવી હતી.
