દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા વિસ્તારમાં આવેલા ચેનપુર રોડ પર રાત્રીના સમયે અચાનક દીપડો આવી ચડતાં વાહનચાલકો અને રાહદારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. રોડ ક્રોસ કરી રહેલા દીપડાને જોઈને ત્યાંથી પસાર થઈ રહેલા એક જાગૃત વાહનચાલકે પોતાના મોબાઈલ ફોનમાં આ દ્રશ્યો કેદ કરી લીધા હતા. મોબાઈલમાં કેદ થયેલો આ દીપડાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને પગલે સમગ્ર વિસ્તારમાં ચર્ચા અને દહેશતનો માહોલ સર્જાયો છે.
માનવ વસ્તીવાળા વિસ્તાર નજીક દીપડાની લટારથી ફફડાટ
ચેનપુર રોડ પર અચાનક દીપડો આવી જતાં વાહનચાલકોમાં ગભરાટ ફેલાયો હતો. આ વિસ્તાર માનવ વસ્તીની નજીક આવેલો હોવાથી દીપડાની મુક્ત લટારથી સ્થાનિક રહીશોમાં પણ ભારે ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારમાં દીપડાના આંટાફેરા સતત વધી રહ્યા હોવાનું સ્થાનિકોનું કહેવું છે, જેના કારણે રાત્રિના સમયે ઘરની બહાર નીકળવું કે રસ્તા પરથી પસાર થવું જોખમી બની ગયું છે.
