દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં લોકોના આરોગ્ય સાથે થતાં ચેડાં રોકવા માટે તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મામલતદાર અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે સંયુક્ત રીતે લીમખેડા નગર તેમજ દુધીયા અને બાંડીબાર જેવા ગ્રામ્ય વિસ્તારોમાં આકસ્મિક તપાસ ઝુંબેશ ચલાવી હતી. આ દરોડા દરમિયાન સ્થાનિક હોટેલો, નાસ્તાની દુકાનો અને ડેરીઓ પર સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેને પગલે ખુલ્લેઆમ નિયમોનું ઉલ્લંઘન કરનારા વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.

હાનિકારક સેવનો સ્થળ પર નાશ અને મિલાવટી પેંડાના સેમ્પલ લેવાયા

તપાસ દરમિયાન અધિકારીઓએ શંકાસ્પદ ખાદ્ય પદાર્થો અને અલગ-અલગ મીઠાઈઓના સેમ્પલ એકત્ર કરી લેબોરેટરી પરીક્ષણ માટે મોકલી આપ્યા હતા. આ કામગીરી દરમિયાન આરોગ્ય માટે અત્યંત હાનિકારક કેમિકલ યુક્ત કલરવાળી સેવ મળી આવતાં તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, મિલાવટી પેંડાનું વેચાણ કરતા વેપારીઓ સામે કડક વલણ અપનાવવામાં આવ્યું હતું. તંત્રની તપાસની જાણ થતાં જ અનિયમિતતાઓ આચરતા અનેક શંકાસ્પદ વેપારીઓ પોતાની દુકાનો બંધ કરીને ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.

અયોગ્ય તેલ વાપરતા વેપારીઓને નોટિસ અને કડક ચેતવણી

તંત્રની ટીમ દ્વારા નાસ્તો બનાવવા માટે બળેલા અને આરોગ્ય માટે અયોગ્ય તેલનો ઉપયોગ કરતા વેપારીઓને સ્થળ પર જ નોટિસ ફટકારવામાં આવી હતી. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને મામલતદાર તંત્ર દ્વારા સ્પષ્ટ શબ્દોમાં કડક ચેતવણી આપવામાં આવી છે કે નાગરિકોના સ્વાસ્થ્ય સાથે રમઝટ કરતા અથવા ખાદ્ય સામગ્રીમાં ભેળસેળ આચરતા કોઈપણ વેપારીને બક્ષવામાં આવશે નહીં અને આગામી દિવસોમાં પણ આ પ્રકારની આકસ્મિક તપાસ ચાલુ રહેશે.

આ પણ વાંચો : Vaodara News : નેપાળ પ્રવાસે ગયેલું વડોદરાનું NRI દંપતી ગુમ, પરિવારે સરકાર પાસે મદદની ગુહાર લગાવી