ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. આ વર્ષે રાજ્યમાં ચોમાસાની મોડી પણ સારી શરૂઆત થઈ છે. જૂનના પ્રથમ સપ્તાહના બદલે મધ્ય સપ્તાહથી રાજ્યભરમાં અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદનું જોર જોવા મળ્યું. જૂન મહિનાના અંતિમ સપ્તાહમાં દાહોદ જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા હતા. મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી દૂધી મતી નદી બે કાંઠે વહેતી થઈ હતી અને કાળી ડેમ પણ ઓવરફલો થયો.
ડેમ ઓવર ફલો થતા લોકો આનંદ માણવા પહોંચ્યા
દાહોદમાં ભારે વરસાદના કારમે નદીઓ બે કાંઠે વહેતી થતા અને ડેમ ઓવર ફલો થતો આ દ્રશ્યો વધુ આહ્લાદક લાગે છે. ચોમાસામાં કુદરતી ધોધ સોળે કળાએ ખીલી ઉઠે છે અને એટલે લોકો આ ધોધનો નજારો જોવા તેમજ તેમાં ભીંજાવાનો આનંદ ઉઠાવવાનું ભલતા નથી. અત્યારે કાળી ડેમમાં પાણીની આવક વધતા લોકો પોતાના જીવના જોખમે રીલ અને સેલ્ફી લઈ રહ્યા હોવાનું સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં સામે આવ્યું. પાણીના ધસમસતા પ્રવાહમાં કેટલાક લોકો નાહી પણ રહ્યા છે. આ બાબત કેટલી જોખમી છે તેને લઈને લોકો અજાણ છે કે પછી વધુ પડતી બહાદુરી બતાવી રહ્યા છે.
પાણીની આવક વધતા જળાશયો છલકાયા
કાળીડેમમાં ડેમમાં વરસાદના કારણે પાણીની આવક વધતા કેપેસીટીથી ઉપર 257.05 મીટર પાણીની આવક થઈ છે. પ્રવાસીઓ વરસાદમાં ફરવાની મોજ માણી રહ્યા છે પરંતુ જો આ ડેમમાંથી અચાનક પાણી છોડવામાં આવે તો કોઈ દુર્ઘટના થાય તો આખરે જવાબદાર કોણ ? લોકોની સેલ્ફી લેવાની અને વરસાદમાં જોખમ ખેડી આનંદ લેવાની એક નાનકડી ભુલ તેમનો જીવ લઈ શકે છે. જો કે આમાં તંત્રની પણ બેદરકારી સામે આવી છે. કારણ કે ડેમ ઉપર કોઈ સીક્યુરીટી પણ ના હોવાના કારણે લોકો ડેમની આટલા ભયજનક સ્તર સુધી પહોંચી રહ્યા છે. તંત્રએ ડેમ ઉપર સુરક્ષા વધારવી અનિવાર્ય છે.
દાહોદમાં મેધરાજા મહેરબાન
દાહોદમાં અત્યાર સુધીમાં સરેરાશ સારો વરસાદ નોંધાયો. ભારે વરસાદને પગલે જિલ્લાના નદીનાળા કોતરમાં નવા નીર આવ્યા અને છાબ તળાવનું આવણું ઓવર ફ્લો થયું હતું. છેલ્લા કેટલાક દિવસોથી બાર ઈંચ સુધીના નોંધપાત્ર વરસાદના કારણે નદીઓમાં પાણીની આવક શરૂ થઈ અને ડેમના જળસ્તરમાં વધારો થયો. જિલ્લાના આઠેય ડેમના લેવલમાં વધારો થયો છે. ડેમના જળસ્તરમાં વધારો થતા આસપાસના વિસ્તારોને એલર્ટ કરવામાં આવે છે.