અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના વૌઠા ગામમાં ગત 20 નવેમ્બરથી વૌઠાના મેળાનો પ્રારંભ થયો છે. આ મેળો 25 નવેમ્બર સુધી ચાલવાનો છે. તેમાં પશુ વેપાર, ધાર્મિક આસ્થા, લોક સંસ્કૃતિ અને મનોરંજન પણ સામેલ છે. આ મેળો ખાસ કરીને ગધેડા અને ઊંટના વેપાર માટે પણ દેશભરમાં જાણીતો છે. ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને વૌઠાના મેળાનું ઉદ્ઘાટન થયું હતું. આ મેળામાં ઉભા કરવામાં આવેલા તંબુ, વિવિધ રાઈડ્સ, લોકડાયરા, ભજન મંડળી અને રંગબેરંગી રોશની સહિત પરંપરાગત ખાણીપીણી પણ મોટું આકર્ષણ છે.
ઐતિહાસિક લોકમેળામાં અદભુત આકર્ષણ જોવા મળી રહ્યું છે
ધોળકા તાલુકાના વૌઠા ખાતે ભરાતા સુપ્રસિદ્ધ અને ઐતિહાસિક લોકમેળામાં અદભુત આકર્ષણ જોવા મળી રહ્યું છે.સપ્તનદીના પવિત્ર સંગમસ્થાને આયોજિત આ મેળામાં આસપાસના વિસ્તારોમાંથી બહોળી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે.ચકલેશ્વર મહાદેવના વિશાળ પટાંગણમાં ભક્તો અને મુલાકાતીઓની ભારે ભીડ એકત્ર થઈ છે.પવિત્ર સંગમ સ્થળની આધ્યાત્મિક મહત્તા વચ્ચે ભક્તિ,શ્રદ્ધા અને ઉત્સવપ્રિયતાનો ત્રિવેણી સંગમ રચાયો છે.લોકો શ્રદ્ધાપૂર્વક દર્શન કરીને મેળો માણવાનો અનેરો આનંદ મેળવી રહ્યા છે.આ ઐતિહાસિક લોકમેળામાં શ્રદ્ધાની સાથે સાથે મનોરંજનનું પણ સુંદર વાતાવરણ નિર્માણ થયું છે જેના કારણે સમસ્ત મેળો હર્ષોલ્લાસ સાથે જીવંત બન્યો છે.મેળાના સમગ્ર પરિસરમાં મનોરંજનની અનેક નાનીમોટી રાઇડ્સો ધમધમી રહી છે.
