દિવાળી અને નૂતન વર્ષના તહેવારો નજીક છે ત્યારે ફટાકડા અને શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની ઘટનાઓને રોકવા માટે તંત્ર દ્વારા અગાઉથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વસ્ત્રાપુરના કાસા વ્યોમા (Casa Vyoma) સંકુલ ખાતે અમદાવાદ ફાયર બ્રિગેડ દ્વારા એક વિશાળ અને મહત્વપૂર્ણ મોકડ્રિલ યોજાઈ હતી. દિવાળીના પર્વ દરમિયાન ફટાકડા અને રોકેટના કારણે હાઈરાઈઝ બિલ્ડિંગોમાં લાગતી આગની દુર્ઘટનાઓથી કેવું બચી શકાય અને લોકોમાં જાગૃતિ ફેલાવી શકાય તે હેતુસર આ વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

108 અને સિવિલ ડિફેન્સ દ્વારા સફળ રેસ્ક્યૂ

આ મોકડ્રિલ દરમિયાન સોસાયટીના ડી બ્લોકના સાતમા માળે આગ લાગ્યાનું કૃત્રિમ દૃશ્ય ઊભું કરવામાં આવ્યું હતું, જેનાથી વાસ્તવિક કટોકટી જેવું વાતાવરણ સર્જાયું હતું. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ, 108 એમ્બ્યુલન્સ અને સિવિલ ડિફેન્સની ટીમો ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે દોડી આવી હતી. જવાનો દ્વારા અત્યાધુનિક સાધનોની મદદથી સાતમા માળે ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરીને નીચે લાવવામાં આવ્યા હતા, જેણે તંત્રની સજ્જતાના દર્શન કરાવ્યા હતા.

500થી વધુ મકાનો ધરાવતા 11 બ્લોકમાં અભ્યાસ

આ મોકડ્રિલનું આયોજન અત્યંત વ્યાપક સ્તરે કરવામાં આવ્યું હતું, જેમાં 500થી વધુ મકાનો ધરાવતા કુલ 11 જેટલા બ્લોક આવરી લેવામાં આવ્યા હતા. સોસાયટીના રહિશો મોટી સંખ્યામાં આ પ્રક્રિયામાં જોડાયા હતા અને આગ લાગે ત્યારે ગભરાયા વગર કઈ રીતે પ્રાથમિક સલામતીના પગલાં લેવા તેની તાલીમ મેળવી હતી. ફાયર અધિકારીઓ દ્વારા નાગરિકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કે તહેવારોમાં બાળકોને ખુલ્લા મેદાનમાં જ ફટાકડા ફોડવા દેવા અને સોસાયટીની ફાયર સેફ્ટી સિસ્ટમ હંમેશાં કાર્યરત રાખવી, જેથી કોઈપણ મોટી દુર્ઘટનાને નિવારી શકાય.

આ પણ વાંચો : Junagadh News : હોસ્પિટલ પરિસરમાં સાધનો ઉપલબ્ધ હોવા છતાં દર્દીની દયનીય હાલત, સિક્યુરિટી ગાર્ડ્સ મૂકપ્રેક્ષક બનીને તમાશો જોતા રહ્યા