દિવાળી એટલે પરિવાર સાથે હર્ષોલ્લાસથી પર્વ ઉજવવાનો અવસર, પરંતુ રોજગારી અર્થે અમદાવાદ કે અન્ય શહેરોમાં વસતા પરપ્રાંતીય તથા સ્થાનિક પરિવારો માટે વતન જવાની આ ખુશી ભારે આર્થિક બોજ સમાન સાબિત થઈ રહી છે. એસટી (ST) બસોમાં ભારે ભીડ અને ટિકિટોની અછતના કારણે મજબૂરીવશ ખાનગી બસોનો સહારો લેતા મુસાફરો પાસેથી સંચાલકો દ્વારા મનફાવે તેમ બમણા અને ત્રણ ગણા સુધીના ભાડાં વસૂલવામાં આવી રહ્યા છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર તરફ જતી બસોના ભાડાં આસમાને પહોંચી ગયા છે, જેના કારણે સામાન્ય અને શ્રમિક વર્ગના પરિવારોનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે.

ઓનલાઈન વેબસાઈટ્સ પર તોતિંગ વધારો જોવા મળ્યો

માત્ર અન્ય રાજ્યો જ નહીં, પરંતુ ગુજરાતના જ એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જતા મુસાફરોની પણ કફોડી હાલત થઈ ગઈ છે. સામાન્ય દિવસોમાં રાજકોટ, ભાવનગર, જામનગર કે અમરેલી જવા માટે રૂ. 300 થી રૂ. 500 સુધીનું ભાડું ચૂકવવું પડતું હતું, તે જ રૂટ પર દિવાળીના પર્વ નિમિત્તે ભાડું વધારીને રૂ. 800 થી રૂ. 1,200 સુધી વસૂલવામાં આવી રહ્યું છે. વિવિધ ટ્રાવેલ્સ કંપનીઓની વેબસાઈટ્સ તપાસતા જ ખબર પડે છે કે કિલોમીટરના હિસાબે નક્કી થતા ભાડાંમાં કેવી તોતિંગ લૂંટ ચલાવવામાં આવી રહી છે.

"તહેવારના નામે ચાલતી આ લૂંટ પર પરિવહન વિભાગ ક્યારે લગામ લગાવશે?"

ખાનગી બસ એસોસિએશનનો પક્ષ એવો છે કે દિવાળીના સમયમાં તેમને માત્ર એક જ તરફનો ટ્રાફિક મળે છે અને પરત ફરતી વખતે બસ ખાલી લાવવી પડે છે, જેના કારણે આ સ્થિતિ સર્જાય છે. જો કે, સામે સવાલ એ ઉપસ્થિત થાય છે કે શું આ એકતરફી ટ્રાફિકના નામે મુસાફરો પાસેથી ત્રણ ગણા નાણાં ખંખેરી લેવા યોગ્ય છે? ગત વર્ષે એસટી નિગમે એક્સ્ટ્રા બસો દોડાવીને માત્ર દિવાળીમાં આશરે રૂા. 1.5 કરોડ (દોઢ કરોડ) ની આવક મેળવી હતી, જે સ્પષ્ટ કરે છે કે ખાનગી ઓપરેટરો આનાથી ક્યાંય વધુ કરોડો રૂપિયા પ્રજા પાસેથી વસૂલે છે. ત્યારે મોટો સવાલ એ છે કે તહેવારના નામે ચાલતી આ બેફામ ભાડાંવસૂલી સામે પરિવહન વિભાગ ક્યારે કડક કાર્યવાહી કરશે?

આ પણ વાંચો : Amreli: તુફાન ગાડીમાં સૂતા રહ્યા ને બહારથી આગ ચાંપી દીધી! લીલીયાના ગુંદરણમાં 2 પરપ્રાંતીય મજૂરોને જીવતા ભૂંજી નાખ્યા