ભાવનગર શહેરમાં દિવાળીના પાવન પર્વ નિમિત્તે કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ પોતાની વર્ષો જૂની પરંપરાને જાળવી રાખીને એક અનોખી અને લાગણીસભર ઉજવણી કરી હતી. મંત્રી જીતુ વાઘાણીએ સ્થાનિક વૃદ્ધાશ્રમની મુલાકાત લઈને ત્યાં રહેતા વડીલ માવતરો સાથે દિવાળીની ખુશીઓ વહેંચી હતી. તેમણે વડીલોનું મોં મીઠું કરાવીને તેમને નૂતન વર્ષ અને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.
માવતરોના લાડકવાયા દીકરા તરીકે વિતાવ્યો આત્મીય સમય
વૃદ્ધાશ્રમમાં વિતાવેલા સમય દરમિયાન કેબિનેટ મંત્રીએ તમામ વડીલોના ખબરઅંતર પૂછ્યા હતા અને તેમની સાથે આત્મીયતાભર્યો સંવાદ સાધ્યો હતો. વડીલોના આશીર્વાદ મેળવીને તેમણે પોતાના ઉત્સવની શરૂઆત કરી હતી. વૃદ્ધાશ્રમના માવતરોના લાડકવાયા દીકરા તરીકેની અનોખી ઓળખ ધરાવતા જીતુભાઈ વાઘાણીને પોતાની વચ્ચે જોઈને વડીલોના ચહેરા પર પણ ખુશીની લહેર જોવા મળી હતી. આ પ્રસંગે ભાવનગરના મેયર ઉષાબેન તળરેજા સહિતના વિવિધ રાજકીય અને સામાજિક આગેવાનો પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.


