દિવાળીના પાવન પર્વ નિમિત્તે મહેસાણા શહેરના નાગરિકો માટે એક અત્યંત આનંદદાયક અને લોકઉપયોગી જાહેરાત કરવામાં આવી છે. મહેસાણા મહાનગરપાલિકા દ્વારા દિવાળીથી લઈને ભાઈબીજ સુધી એટલે કે તારીખ ૮, ૯, ૧૦ અને ૧૧ નવેમ્બર દરમિયાન મહેસાણા સિટી બસ સેવા સંપૂર્ણપણે નિઃશુલ્ક રાખવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મેયર સોનલબેન વિષ્ણુભાઈ ઓઝા દ્વારા નાગરિકોને દિવાળીની ભેટ આપતા જણાવવામાં આવ્યું છે કે માત્ર શહેરનો વિકાસ જ નહીં, પરંતુ દરેક નાગરિકના જીવનમાં સુવિધા ઊભી કરવી એ પાલિકાની પ્રાથમિકતા છે.
પરિવાર સાથે મુસાફરી બનશે આસાન
આ ચાર દિવસ દરમિયાન મહેસાણા સિટી બસ સેવામાં મુસાફરી કરનાર કોઈપણ મુસાફર પાસેથી ટિકિટના નાણાં વસૂલવામાં આવશે નહીં. તહેવારોના આ દિવસોમાં બજારમાં ખરીદી કરવા જતા નાગરિકો, પોતાના વતન કે સ્વજનોને મળવા જતા પરિવારો અને વડીલો કોઈપણ આર્થિક બોજ વિના મુક્તપણે અને સરળતાથી સિટી બસનો લાભ લઈ શકે તેવો આ સરાહનીય અભિગમ અપનાવવામાં આવ્યો છે. આ વિશેષ જાહેરાતના કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારોમાં ભારે ખુશી જોવા મળી રહી છે.
