બનાસકાંઠા જિલ્લાના વાવ અને થરાદ પંથકમાં ભાઈબીજના પવિત્ર તહેવાર નિમિત્તે ગ્રામીણ સંસ્કૃતિની અનોખી ઝાંખી કરાવતા પરંપરાગત લોકમેળાઓ ધામધૂમથી યોજવામાં આવ્યા હતા. વર્ષોની જૂની પરંપરાને જીવંત રાખતા થરાદના લુણાલ, સવપુરા, જેટા અને ડોડગામ ખાતે ભવ્ય લોકમેળાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વાવ અને સુઈગામ તાલુકાના લીંબાળા તથા ઉચપા ગામે પણ નકળંગ ધામના દિવ્ય સાનિધ્યમાં મેળાઓ જામ્યા હતા. આ તમામ ગામોમાં પ્રાચીન નકળંગ ભગવાનના ધામો આવેલા હોવાથી શ્રદ્ધાળુઓ અને ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
મેરાયા નૃત્ય અને શેરડી બની લોકમેળાઓની મુખ્ય ઓળખ
આ લોકમેળાઓની સૌથી મોટી વિશેષતા તેની અનોખી લોક-સંસ્કૃતિ છે. વર્ષોની પરંપરા મુજબ યોજાતા આ મેળામાં ગ્રામજનો દ્વારા વિશેષ 'મેરાયા નૃત્ય' રજૂ કરવામાં આવે છે, જે આ વિસ્તારની આગવી ઓળખ છે. આ ઉપરાંત, મેળામાં શેરડીનું વિશેષ વેચાણ અને તેનું મહત્ત્વ પણ જોવા મળે છે, જે મેળાવડાની રોનકને બેવડી કરે છે. ધાર્મિક આસ્થા અને લોકસાહિત્યના સંગમ સમાન આ મેળાઓમાં આસપાસના અનેક ગામોમાંથી હજારોની સંખ્યામાં લોકો પહોંચ્યા હતા અને પરંપરાગત ઉત્સવનો ભરપૂર આનંદ માણ્યો હતો.
