દિવાળી અને તહેવારોના પાવન અવસરે જ્યાં દરેક પરિવારમાં ખુશી અને ઉમંગનો માહોલ હોય છે, ત્યાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ખેડૂતો ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. ચાલુ વર્ષે ઓછા વરસાદના કારણે ખેતીનો પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો છે, જેનાથી અન્નદાતાની આર્થિક સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે. મોંઘા બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓનો પુષ્કળ ખર્ચ માથે હોવા છતાં પૂરતું ઉત્પાદન ન મળવાથી ખેડૂતોની હાલત કફોડી બની છે.

તહેવારોની ખરીદી મુશ્કેલ બનતા પરિવારમાં ચિંતાનું વાતાવરણ

સામાન્ય રીતે તહેવારોના દિવસોમાં ખેડૂતો પોતાના પરિવાર માટે નવા કપડાં, મીઠાઈઓ અને ઘરવખરીની ખરીદી કરતા હોય છે. બાળકોની ઈચ્છાઓ પૂરી કરવા અને પરિવાર સાથે આનંદથી તહેવાર ઉજવવાની આશા દરેક પરિવાર સેવતો હોય છે, પરંતુ આ વર્ષે પાક ન નિષ્ફળ જવાથી ખેડૂતો પાસે રોજિંદા ઘરખર્ચ માટે પણ પૂરતા નાણાં નથી. પરિવારની મૂળભૂત જરૂરિયાતો સંતોષવી પણ મુશ્કેલ બની ગઈ હોવાથી તહેવારો ખુશીઓ લાવવાને બદલે ચિંતાનું કારણ બન્યા છે.

દુષ્કાળગ્રસ્ત જાહેર છતાં હજુ સુધી સહાયની રાહ

સરકાર દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે, જેથી ખેડૂતોને આશા હતી કે સરકાર તરફથી મળનારી સહાય મુશ્કેલીના આ સમયમાં મોટો આર્થિક ટેકો બનશે, પરંતુ આટલી મોટી જાહેરાતો છતાં હજુ સુધી સહાયની રકમ ખેડૂતોના બેંક ખાતામાં જમા થઈ શકી નથી. જેના કારણે ખેડૂતોની મુશ્કેલીઓ દિન-પ્રતિદિન વધતી જાય છે.

Dwarka News: Financial Crisis for Bhanvad Farmers Amid Delayed Drought Relief in Dwarka

વહેલી તકે સહાય ચૂકવવાની ઉગ્ર માગ

ભાણવડ તાલુકાના ખેડૂતોની સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર સમક્ષ સ્પષ્ટ માગ છે કે, માત્ર કાગળ પર કે જાહેરાતો દ્વારા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાથી ખેડૂતોની વેદના ઓછી નહીં થાય. ખેડૂતોની હાલની ગંભીર આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દુષ્કાળ સહાયની પ્રક્રિયાને ઝડપી બનાવવામાં આવે અને તાત્કાલિક સહાયની રકમ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે. ખેડૂતો માટે આ માત્ર નાણાકીય સહાયનો પ્રશ્ન નથી, પરંતુ તેમના પરિવારના ગુજરાન અને સન્માનનો સવાલ છે.


આ પણ વાંચો: Explainer: દિવાળી અને બેસતા વર્ષ વચ્ચે કેમ આવે છે 'ધોકો'?