ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી અવારનવાર દરિયાઈ અકસ્માતના સમાચારો સામે આવતા હોય છે, ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી એક ચિંતાજનક અને મોટી ઘટના સામે આવી છે. સલાયા બંદરની માછીમારી કરતી 'ફેઝાને કામુલસા' નામની ફિશિંગ બોટ ઓખા નજીક દરિયામાં માછીમારી માટે ગઈ હતી. આ દરમિયાન અચાનક બોટની મશીનરીમાં ગંભીર ટેક્નિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે બોટમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગે જોતજોતામાં જ ખૂબ જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આ લાખો રૂપિયાની બોટે મધદરિયે જ જળસમાધિ પામી હતી અને બોટ પાણીમાં સંપૂર્ણપણે ગરકાવ થઈ ગઈ હતી.

મોટી જાનહાનિ ટળતા પરિવારજનોમાં રાહત

આ ભયાનક અકસ્માત સમયે બોટમાં કુલ ૫ (પાંચ) જેટલા ખલાસીઓ સવાર હતા. મધદરિયે આગ લાગતા અને બોટ ડૂબવા લાગતા ખલાસીઓના જીવ જોખમમાં મુકાયા હતા. પરંતુ સદનસીબે તે સમયે દરિયામાં આસપાસ હાજર રહેલી અન્ય માછીમારી બોટો સમયસર મદદે દોડી આવી હતી. અન્ય બોટના માછીમારોની સતર્કતા અને સહાયથી પાંચેય ખલાસીઓને હેમખેમ અને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા. સમયસર રેસ્ક્યુ થવાના કારણે કોઈ મોટી જાનહાનિ ટળી હતી, જેને કારણે ખલાસીઓના પરિવારજનોએ હાંશકારો અનુભવીને રાહતનો શ્વાસ લીધો હતો.

માછીમારોમાં ચિંતાનો માહોલ

આ દુર્ઘટનામાં સલાયાના બોટ માલિક હાસમ આદમ ચમડીયા ને પોતાની બોટ અને સાધનો ગુમાવવાથી લાખો રૂપિયાનું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. એક તરફ રોજગારી માટે દરિયામાં જતાં માછીમારો માટે આજીવિકાનું સાધન સળગીને ખાક થઈ ગયું છે, તો બીજી તરફ આ પ્રકારની અકસ્માતની ઘટનાઓ સતત બનતી હોવાથી માછીમારી વ્યવસાય સાથે સંકળાયેલા સમગ્ર પરિવાર અને વેપારીઓમાં ભારે ચિંતા અને ભયનો માહોલ છવાઈ ગયો છે.

આ પણ વાંચો : Vadodaraમાં સુરક્ષાનું કવચ મજબૂત, શહેરમાં 2,700 થી વધુ CCTV કેમેરા દ્વારા પોલીસ અને પાલિકા તંત્ર રાખશે સંયુક્ત નજર!