દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી એક બેદરકારીભર્યા સમાચાર સામે આવ્યા છે. કલ્યાણપુર તાલુકાથી ભાટીયા તરફ જતી નર્મદાની મુખ્ય પાઇપલાઇનમાં કેનેડી ગામ પાસે અચાનક મોટું ભંગાણ સર્જાયું છે. મેઇન લાઇન તૂટવાના કારણે જોતજોતામાં હજારો અને લાખો લીટર શુદ્ધ પીવાનું પાણી રસ્તાઓ પર વહી ગયું હતું અને ચારેય તરફ પાણીના સરોવર જેવા દ્રશ્યો સર્જાયા હતા.

રોડ રસ્તાની કામગીરી દરમિયાન લાઇન તૂટી હોવાની પ્રાથમિક વિગતો

પ્રાથમિક જાણકારી અનુસાર, આ વિસ્તારમાં ચાલી રહેલી રોડ રસ્તાની કામગીરી દરમિયાન ખોદકામ કે મશીનરીના કારણે નર્મદાની મુખ્ય લાઇન તૂટી ગઈ હતી. એક તરફ ગ્રામીણ વિસ્તારોમાં લોકો પીવાના પાણી માટે વલખાં મારી રહ્યા છે અને પાણીની કટોકટી વેઠી રહ્યા છે, ત્યારે બીજી તરફ કોન્ટ્રાક્ટર અને તંત્રની બેદરકારીના કારણે લાખો લીટર પાણીનો સરેઆમ બગાડ થતાં સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ અને રોષ જોવા મળ્યો હતો.

પાણી પુરવઠા વિભાગે સ્થળ પર પહોંચી તાત્કાલિક રીપેરિંગ હાથ ધર્યું

ઘટનાની જાણ થતાં જ પાણી પુરવઠા વિભાગની ટીમ તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પાણીનો વધુ વેડફાટ અટકાવવા માટે પાઇપલાઇનમાંથી મુખ્ય વોટર સપ્લાય બંધ કરાવવામાં આવ્યો હતો અને યુદ્ધના ધોરણે લાઇનનું રીપેરિંગ કામ હાથ ધરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા જલ્દીથી જલ્દી સમારકામ પૂર્ણ કરીને ભાટીયા અને આસપાસના વિસ્તારોમાં પાણી પુરવઠો પૂર્વવત કરવાનો દાવો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Bhavnagarમાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા, રૂપમ ચોક વિસ્તારમાં ટ્રાફિક જવાન વર્નિત સોઢાતર પર છરી વડે જીવલેણ હુમલો